પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ રિઝવાન પર પોતાની પકડ મજબૂત કરી છે. તાજેતરમાં, રિઝવાન સહિત સાત ખેલાડીઓને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન મધ્યમાં પાકિસ્તાન પાછા બોલાવવામાં આવ્યા હતા. આ પછી, સાયબર ક્રાઇમ અધિકારીઓ દ્વારા રિઝવાન અને ઇમામ-ઉલ-હકની પૂછપરછ કરવામાં આવી હતી. હવે, ઁપીસીબીએ રિઝવાનને મીડિયા સાથે વાત કરવા પર પણ પ્રતિબંધ મુક્યો છે.
અહેવાલ મુજબ, મોહમ્મદ રિઝવાને ગયા અઠવાડિયે બે વાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ને મીડિયા સાથે વાત કરવાની પરવાનગી માંગી હતી, પરંતુ બોર્ડે બંને વખત ઇનકાર કર્યો હતો. રિઝવાન, વરિષ્ઠ ખેલાડીઓ ઇમામ-ઉલ-હક અને સલમાન અલી આગા સાથે, ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન મધ્યમાં પાછા બોલાવવામાં આવ્યા હતા, અને ત્યારથી તે સમાચારમાં છે.
તપાસ એજન્સીએ મોહમ્મદ રિઝવાનને ઓનલાઈન સટ્ટાબાજી, જુગાર અને તેના નાણાકીય વ્યવહારો અંગે પૂછપરછ કરી. ઇંગ્લેન્ડમાં લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન, રિઝવાન અને ઇમામ-ઉલ-હક બંનેના મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા અને હવે તેમની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.
કોર્ટમાં સુપરત કરાયેલા પાંચ પાનાના ફોર્મમાં, તપાસ એજન્સીએ રિઝવાન પાસેથી તેના અંગત જીવન અને નાણાકીય બાબતોનો સંપૂર્ણ હિસાબ માંગ્યો છે. તેણે છેલ્લા ૧૦ વર્ષથી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, છેલ્લા પાંચ વર્ષથી તેની આવક, તેના બેંક એકાઉન્ટ્સ, ક્રેડિટ કાર્ડ્સ, લોન, તેની સંપત્તિ, ઘરના ખર્ચ, તેના બાળકોની ફી અને સ્થાનિક અને વિદેશમાં તેની મુસાફરી વિશે માહિતી માંગી છે. એજન્સીએ તેના પરિવારની સંપત્તિ અને નાણાકીય બાબતોની વિગતો પણ માંગી છે.
માત્ર મોહમ્મદ રિઝવાન જ નહીં, પરંતુ ઓપનર ઇમામ-ઉલ-હક પણ. ઇંગ્લેન્ડ પ્રવાસની બીજી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ હોવા છતાં, તેણે બેટિંગ કરી ન હતી. તેના પર ઈજાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે. આ આરોપ એટલા માટે લગાવવામાં આવ્યો હતો કારણ કે, ભલે તે ઈજાને કારણે બેટિંગ કરવા આવ્યો ન હતો, પરંતુ તે મેદાન પર પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. મેચમાં ઇમામની ગેરહાજરી પાકિસ્તાનની ટીમને ભારે પડી, અને તેઓ ટેસ્ટ મેચ ખરાબ રીતે હારી ગયા.














































