માનસિક શાંતિ માટે તંદુરસ્ત શરીર અને આર્થિક સદ્ધરતા જ અનિવાર્ય નથી. ઉલટું, આ બંને હોવા છતાં ઘણા માણસો સતત માનસિક અશાંતિમાં જીવતા જોવા મળે છે. તમે આ કક્ષામાં આવો છો? જો ‘હા’ હોય તો આ વાંચોઃ
માનવીની માનસિક અશાંતિનું કારણ માનવીનું મન જ હોય છે. ઘણીવાર એવું બને છે કે આપણી માનસિક અશાંતિ આપણે જાતે જ ઊભી કરેલી હોય છે. તેથી આપણી માનસિક અશાંતિને આપણે જાતે જ દૂર કરવા શક્તિમાન બનવું પડે. કેવી રીતે? ચાલો જોઈએઃ
૧. મતને (મનને) સુધારોઃ તમારી આસપાસની પરિસ્થિતિ ભલે તમારી શાંતિમાં ખલેલ પહોંચાડનારી હોય, ભલે તેનાથી તમે કંટાળી ગયા હોવ, તો પણ તમારી પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન ન કરશો. આમ કરવાને બદલે તમે તમારા મતને (મનને) સુધારો, વધુ શુદ્ધ કરો. આમ કરશો તો તમારી પ્રતિકૂળ પરિસ્થિતિ આડકતરી રીતે પલટો લેશે. વિચારમાં મહત્વનો સુધારો થશે અને પરિસ્થિતિ વધુ સાનુકૂળ અને સુમેળભરી બનતી જશે. તમે તમારી જાતને સુધારવા તૈયાર થઈ જાવ.
૨. શાંત રહોઃ કોઈ તમારું અપમાન કરે, લાગણીઓ દૂભવે કે હેરાન-પરેશાન કરે એટલે સ્વાભાવિક જ ગુસ્સો આવે પણ તમે ગુસ્સો ન કરશો. પરિસ્થિતિનો સામનો ગુસ્સો કર્યા વગર, શાંતિથી પણ કરી શકાય છે. સંજોગો પર સિદ્ધિ મેળવવાનું પ્રશાંતિ જેટલું શક્તિશાળી સાધન બીજું કોઈ નથી. બીજાઓને તમારા વિશે જે ધારવું હોય તે ધારે, બોલવું હોય તે બોલે, અપમાન કરે તો પણ તમે તો શાંત જ રહો. આ દુનિયા અજ્ઞાની લોકોથી ભરેલી છે, તમે શાણા બનજો, સૌ પ્રત્યે નમ્રતા રાખજો અને વિનમ્ર રહીને શાંતિથી જ આગળ વધી શકાશે.
૩. ચિંતા ન કરોઃ તમારા ભૂતકાળના અનુભવોમાંથી બોધપાઠ ગ્રહણ કરો, તેને વારંવાર યાદ કરો. તે બોધપાઠમાંથી ભાવિ કાર્યો માટે માર્ગદર્શન મેળવો, પણ ભૂતકાળના અનુભવો પર આંસુ ન સારશો. ખોટી ચિંતા કરવી એ સમય અને શક્તિનો દુર્વ્યય છે, કેમકે ચિંતા સમય બગાડે છે અને શક્તિઓને હણી નાખે છે. સરવાળે શૂન્ય. ચિંતા કર્યા વગર સમસ્યામાંથી માર્ગ કાઢવાની કોશિશમાં લાગી જશો તો સફળતા મળશે, પ્રસન્નતા આવશે ને ચિંતા આપોઆપ ટળી જશે.
૪. લાલચ છોડોઃ કોઈપણ પ્રકારની લાલચથી દૂર જ રહો. જો લાલચમાં ફસાશો તો તમારી ઈચ્છાઓ પર વિજય નહીં મેળવી શકો. કદાચ લાલચનો સામનો કરવામાં સફળ થશો તોય મનમાં લાલચ રહી જશે, જે અશાંતિ પેદા કરશે. લાલચ ભયંકર મુશ્કેલીમાં મૂકી શકે છે, એટલે લાલચમાં ન ફસાશો.
૫. જીવ ન બાળોઃ નજીવી બાબતો પર સમય, શક્તિ કે જીવ વેડફી નાખવાનું પરવડે જ નહીં. તેવી નજીવી કે વ્યર્થ બાબતો પર કદી જીવ ન બાળો. આ ટેવ (જો હોય તો) માંથી ઝટ મુક્ત થઈ જાવ. એ માટે ગમતી પ્રવૃત્તિ-કાર્યમાં પરોવાઈ જાવ એટલે પેલી ટેવ છૂટી જશે.
૬. પારકી પંચાત છોડોઃ તમે અવારનવાર અન્યની વાતોમાં માથું મારો છો? અન્યની ચર્ચા ઘરમાં કે અન્યની સાથે કરો છો? કદાચ બીજા ખોટા પણ હોય, તેથી તમારે અશાંત, અસ્વસ્થ બની જવાની જરૂર નથી. કોઈની ટીકા કે નિંદા કરવાની જરૂર નથી. જે પળે તમારી માનસિક શાંતિની કિંમત વધારે છે, તમારા કાર્યોને પહોંચી વળવા માટે અન્યની પંચાત કરીને તમારો અને બીજાનો સમય ન બગાડો.
૭. કડવો ઘૂંટડો ગળી જવોઃ જો કોઈ વ્યક્તિએ તમારું અપમાન કર્યું હોય કે તમારી લાગણી દૂભવી હોય તો પણ તેના પ્રત્યે દુર્ભાવના ન જન્માવશો. તેની ભૂલોને માફ કરો, કેમકે માનસિક શાંતિ જાળવી રાખવા માટે એ જરૂરી છે. વળી, એવી વાતોને વારંવાર યાદ ન કરો, નહીંતર તમારી માનસિક શાંતિ હણાયા વગર રહેશે નહીં.
૮. ઈર્ષ્યા ન કરોઃ ઈર્ષ્યા એ માનસિક શાંતિમાં ખલેલ પાડીને મન-મૂડને ડિસ્ટર્બ કરી મૂકે છે. ઈર્ષ્યા તમને હરીફાઈમાં મૂકીને બરબાદ પણ કરી શકે છે. તમને ઊંચે આવતા દુનિયાની કોઈપણ તાકાત તમને રોકી શકવાની નથી. દરેક મનુષ્યના જીવનચક્રમાં તેના પ્રારબ્ધની જ સત્તા ચાલે છે. તેથી કોઈપણ ઈર્ષ્યા કર્યા વગર, તમે તમારું જ ચિત્ત ચોંટાડી આગળ વધો.
૯. સહનશક્તિ કેળવોઃ જે પરિસ્થિતિ, સંજોગો કે સમસ્યા આવે તે સહન કરતાં શીખો. જો નબળો સમય જશે નહીં, તમે સહન કરશો તો જ છૂટશો. વહેલી સવારથી મોડી રાત સુધીમાં ભલેને અસંખ્ય પ્રતિકૂળતાઓ, દુઃખો કે મૂંઝવણો આવે, તમે હસતે મોંઢે સહન કરી લો. આથી તમારી ધીરજ વધશે અને આંતરિક બળ વધશે. પરિણામે ઈચ્છાશક્તિ મજબૂત બનશે, જે ગેરલાભનેય લાભમાં ફેરવી શકશો અને પ્રતિકૂળતાઓને સાનુકૂળ બનાવી શકશો.
૧૦. ફરજ ન ચૂકોઃ ક્યારેય જવાબદારીથી દૂર ન ભાગો, ફરજ ન ચૂકો. નહીંતર માનસિક શાંતિ હણાવા લાગશે. તમારામાં રહેલી તાકાત વડે જવાબદારીઓનો સામનો કરો. (એનો મતલબ એવો પણ નથી કે તમે તમારો અહમ્‌ સંતોષવા ખોટા નવી-નવી જવાબદારીઓનો બોજો માથે ઉઠાવો). ફરજ અદા કર્યાનો અને ફરજ બજાવ્યાનો સંતોષ જ માનસિક શાંતિ આપશે.
૧૧. મનને પ્રવૃત્ત રાખોઃ તમારા મનને નવરું ન પડવા દો. તમે તંદુરસ્ત વાંચન, જપ, પ્રાર્થના, મનોરંજન, રમત, સંગીતમાં પરોવાયેલું રાખો. કેમ કે નવરું મન એ જ સઘળી આફતની શરૂઆત છે.
sanjogpurti@gmail.com