રાજુલા તાલુકાના હિંડોરણા ગામમાં પુલ નીચે આવેલી નદીમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ રાજુલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક વ્યક્તિ હિંડોરણા ગામના જ રહેવાસી હતા અને તેમનું નામ લાલજીભાઈ પથુભાઈ સોલંકી છે. ૫૫ વર્ષીય લાલજીભાઈ દેવીપૂજક જ્ઞાતિના હતા. વિગતો મુજબ તેઓ ગઈકાલથી ગુમ હતા અને આજે બપોરે જ તેમના ગુમ થયા અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલમાં પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને લાલજીભાઈના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.







































