પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન ડો.જય નારાયણ વ્યાસે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આ અગાઉ અતિ વિકસિત રાજ્ય તરીકે ગુજરાત અને એ માટે કારણભૂત ‘ગુજરાત મોડેલ’ અંગેની વરવી વાસ્તવિકતા આપ સમક્ષ જાહેરમાં મૂકી. ગુજરાતના વિકાસના બણગાં કેટલાં પોકળ છે, તેનો દસ્તાવેજી પુરાવો પૂરો પાડ્યો હતો. આ સમગ્ર હકીકત નેશનલ ફેમિલી હેલ્થ સરવે—૫ જે ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે, તેના ઉપર આધારિત હતો અને એટલે ગુજરાત સરકાર અથવા કેન્દ્રમાં શાસનની ધૂરા સંભાળી રહેલ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ હકીકતોનો ઇન્કાર કરી શકે તેવી કોઈ શક્યતાઓ નથી.ગુજરાતના વિકાસનું આ માડેલ કેટલું પોલું છે અને એને આધારિત વિકાસની વાતો કેટલી પોકળ છે, જેનો પુરાવો તાજેતરમાં બહાર આવેલ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બહાર પાડવામાં આવેલ માનવ વિકાસના સૂચકાંક ‘હ્યુમન ડેવલોપમેન્ટ ઇન્ડેક્ષ’ ઉપર આધારિત તાજેતરના અહેવાલ ઉપરથી માત્ર ગુજરાત જ નહીં પણ વૈશ્વિક તુલનામાં ભારત જેને ભારતીય જનતા પાર્ટી શાસિત સરકાર વિશ્વની બીજા નંબરની વિકસિત અર્થવ્યવસ્થા બનાવવાના ગુલાબી શમણાં આપણને વેચી રહી છે તે નર્યા જૂઠાણાનો પર્દાફાશ યુએનડીપીનો આ ‘હ્યુમન ડેવલોપમેન્ટ’ અંગેનો અહેવાલ નર્યું જૂઠ્ઠાણું સાબિત કરે છે, યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા આપવામાં આવેલ વર્ગીકરણ પ્રમાણે કુલ ૧૯૩ દેશોમાંથી ભારતનો નંબર ૧૩૦મો આવે છે. આમ, દુનિયાના વિકસિત દેશોની સરખામણીમાં ભારત ખૂબ પાછળ છે. હ્યુમન ડેવલોપમેન્ટ ઇન્ડેક્ષની ગણતરી અપેક્ષિત આયુષ્ય મર્યાદા, શિક્ષણનું સ્તર અને માથાદીઠ આવક એ ત્રણેયને લક્ષમાં લઈને કાઢવામાં આવે છે. જે દેશમાં લોકો લાંબું આયુષ્ય ભોગવતા હોય અથવા માથાદીઠ આવક વધારે હોય કે પછી શિક્ષણનું સ્તર ઊંચું હોય તેનો નંબર પૂર્ણાંક ૧ થી નજદીક આવે છે.આમ ભારત વિકસિત રાષ્ટ્ર બની રહ્યું હોવાની કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર કરાતી જાહેરાતો સત્યથી સંપૂર્ણ વેગળી, તથ્યહીન અને ગેરમાર્ગે દોરનારી છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા જારી કરાયેલ માનવ વિકાસનો સૂચકાંક જે સાચા અર્થમાં જે તે દેશમાં માનવજીવન કેટલું સમૃદ્ધ અને વિકસિત છે, એનો ખ્યાલ આપે છે તે એક આધારભૂત સરખામણી છે અને ભારતનું નામ એમાં દસાડા દફતરે ક્યાંય નથી.આ જ રીતે ભારતના કુલ ૩૬ રાજ્યોમાં ગુજરાત લક્ષદ્વીપ અને મેઘાલય જેવા રાજ્યોથી પણ પાછળ છેક ૨૫મા નંબરે આવે છે. આ અગાઉ દેશના ટોચના દસ કુપોષિત જિલ્લાઓમાં ગુજરાતના ૪ જિલ્લા આવે છે, તે માહિતી રજૂ કરી હતી. આજે હ્યુમન ડેવલોપમેન્ટ ઇન્ડેક્ષ એટલે કે, માનવ વિકાસના સૂચકાંકની સરખામણીમાં પણ ગુજરાત છેક ૨૫મા ક્રમે આવે છે, એ માહિતી ‘ગુજરાત મોડેલ’ કેટલું તકલાદી અને બિનટકાઉ છે, તેનો પુરાવો છે. ગુજરાત તેમજ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારો ઇવેન્ટ મેનેજમેન્ટ અને જાહેરાતો સિવાય કશું જ કરતી નથી અને ગુજરાત જેવા વિકસિત રાજ્યને તેમના શાસને નુકસાન પહોંચાડીને પાછળ ધકેલી દીધું છે, એટલું જ નહીં પણ ભારત વિકસિત અર્થવ્યવસ્થા તરફ ગતિ કરી રહ્યું હોવાના એમના દાવા સદંતર પોકળ છે, તેની આ સાબિતી છે.