મહેસાણા મહાનગરપાલિકાની સિટી બસ સેવાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જીએસઆરટીસીની જરૂરી એનઓસી વગર મહાનગરપાલિકા દ્વારા વધારાના રૂટ પર સિટી બસો દોડાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને મહેસાણા મહાનગરપાલિકા વચ્ચે વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, શહેરમાં હાલમાં ૧૫ રૂટ પર આશરે ૨૫ સિટી બસો દોડી રહી છે. જીએસઆરટીસી દ્વારા મનપાને આ અંગે લેખિત ખુલાસો આપવા માટે પત્ર પાઠવવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
મહેસાણા શહેરમાં ઓગસ્ટ ૨૦૨૧થી સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કે મહેસાણા નગરપાલિકા દ્વારા માત્ર ૮ રૂટ માટે જરૂરી એનઓસી લેવામાં આવી હતી. ત્યારબાદ મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જા મળ્યો અને શહેરની હદમાં વધારો થયો. મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સિટી બસના રૂટની સંખ્યા વધારીને ૧૫ કરવામાં આવી હતી.
આક્ષેપ મુજબ, વધારાના રૂટ શરૂ કરતાં પહેલાં જરૂરી મંજૂરી અથવા એનઓસી મેળવવામાં આવી ન હતી. પરિણામે હાલ ૧૫ રૂટ પર આશરે ૨૫ સિટી બસો દોડી રહી છે. જીએસઆરટીસીના જણાવ્યા પ્રમાણે, નિયમ મુજબ નવા રૂટ માટે સંબંધિત વિભાગની મંજૂરી મેળવવાની પ્રક્રિયા જરૂરી છે. આ મંજૂરી અંગેનો મુદ્દો સામે આવ્યા બાદ હવે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
આ મામલે જીએસઆરટીસીના અધિકારી હેતલ પટેલે જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે સિટી બસના વધારાના રૂટ અંગેની બાબત નિગમના ધ્યાને આવ્યા બાદ મહાનગરપાલિકાને લેખિત પત્ર પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જીએસઆરટીસી તરફથી વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વધારાના રૂટ માટે એનઓસી લેવામાં આવી ન હોવાનું જણાવાયું છે. જાકે, વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરોને હાલ મુશ્કેલી ન પડે તે ધ્યાનમાં રાખીને સિટી બસ સેવા ચાલુ રાખવામાં આવી હોવાનું જીએસઆરટીસી તરફથી જણાવાયું છે.
જો એનઓસી અને જરૂરી મંજૂરીનો મુદ્દો ઉકેલાશે નહીં તો આગામી સમયમાં સિટી બસ સેવા બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. જા આવું થાય તો શહેરના વિવિધ વિસ્તારોમાં અવરજવર કરતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને સામાન્ય મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હાલ સેવા ચાલુ હોવાથી તાત્કાલિક મુસાફરોને રાહત છે, પરંતુ મંજૂરીનો પ્રશ્ન ઉકેલવો બંને વિભાગો માટે મહત્વપૂર્ણ બન્યો છે.
એનઓસીના મુદ્દા સાથે સિટી બસના ડ્રાઇવરોની તાલીમ અંગે પણ સવાલો ઊભા થયા છે. બસો ચલાવતા ડ્રાઇવરો યોગ્ય રીતે તાલીમબદ્ધ છે કે નહીં અને તમામ જરૂરી નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી અંગે પણ ચર્ચા થઈ રહી છે. ભવિષ્યમાં કોઈ અકસ્માત કે ગંભીર ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે તે મુદ્દો પણ હવે મહત્વનો બની ગયો છે.
સિટી બસ સેવા શહેરના જાહેર પરિવહન માટે મહત્વપૂર્ણ છે. એક તરફ મોટી સંખ્યામાં મુસાફરોને પરિવહનની સુવિધા મળી રહી છે, તો બીજી તરફ જરૂરી એનઓસી અને મંજૂરી અંગે ઊભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ આવવું જરૂરી છે. હવે મહેસાણા મહાનગરપાલિકા તરફથી જીએસઆરટીસીના પત્રનો શું જવાબ આપવામાં આવે છે અને વધારાના રૂટ માટે જરૂરી મંજૂરી ક્યારેય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.