અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં ૧૫ ઓગસ્ટની મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઊભા કરતી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. રાણીપ પોલીસ ચોકીથી માત્ર ગણતરીના અંતરે,આરટીઓ ચાર રસ્તા નજીક ૩૭ વર્ષીય અજય સાલ્વી નામના યુવક પર ૮થી ૧૦ શખસોના ટોળાએ જાહેર માર્ગ પર તલવાર અને ધારિયા જેવા ધારદાર હથિયારો વડે ઘાતકી હુમલો કરી તેની નિર્મમ હત્યા કરી નાખી છે.
આ ઘટના પાછળ જૂની અદાવત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. થોડા સમય અગાઉ મદ્રાસી સમાજના લોકો અને મુખ્ય આરોપી વિશાલ ચૌહાણ વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદમાં મૃતક અજય સાલ્વીએ મદ્રાસી સમાજનો પક્ષ લઈને આરોપીઓનો વિરોધ કર્યો હતો. ત્યારથી જ વિશાલ ચૌહાણ અને તેના સાગરીતો અજયની અદાવત રાખીને તેને પતાવી દેવાની ફિરાકમાં હતા.
ગઈકાલે મોકો મળતાં જ આરોપીઓએ અજય પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતકી હતો કે અજયની પીઠના ભાગે ૧૫થી વધુ ઊંડા ઘા ઝીંકવામાં આવ્યા હતા. હથિયારોના ગંભીર પ્રહારથી તેના પેટમાંથી આંતરડું પણ બહાર આવી ગયું હતું. ગંભીર રીતે ઘવાયેલા અજયને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો.
૧૫ ઓગસ્ટની રાત્રે જ પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને નાઇટ પેટ્રોલિંગ અને પોઇન્ટ્સ પર હાજર રહેવા કડક સૂચનાઓ આપી હતી. આમ છતાં, રાણીપ પોલીસ ચોકીથી તદ્દન નજીક જ આ પ્રકારની ભયાનક હત્યાનો બનાવ બનતાં સ્થાનિક સુરક્ષા અને પોલીસના ખોફ સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. હાલમાં પોલીસે અજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હત્યાનો ગુનો નોંધ્યો છે.
ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને તથા મૃતકના પરિવારજનોના નિવેદન લઈને ફરાર
થઈ ગયેલા મુખ્ય આરોપી વિશાલ ચૌહાણ અને તેના સાગરીતોની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.







































