અમદાવાદ જિલ્લામાં ફરી એકવાર દીપડાની હાજરીને લઈને ચર્ચા જાગી છે. સાણંદ તાલુકાના મોટી દેવકી ગામમાં સ્થાનિકોએ દીપડો દેખાયો હોવાનો દાવો કરતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. કેટલાક સ્થાનિકોના જણાવ્યા મુજબ દીપડા સાથે તેનું બચ્ચું પણ જોવા મળ્યું હોવાની ચર્ચા છે. સાથે જ એક કૂતરાનું મારણ થયું હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
મોટી દેવકી ગામમાં દીપડો હોવાની આશંકા સામે આવતા વન વિભાગ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ટીમે વિસ્તારની સ્થિતિ પર નજર રાખવાની કામગીરી શરૂ કરી છે અને સંભવિત અવરજવર ધરાવતા સ્થળોએ પાંજરા મૂકવામાં આવ્યા છે. સ્થાનિકો પાસેથી મળતી માહિતીના આધારે પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. જોકે, હાલ સુધી વન વિભાગ દ્વારા મોટી દેવકી ગામમાં ખરેખર દીપડાની હાજરી હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેથી સ્થાનિકોના દાવા અને વન વિભાગની તપાસ બાદ જ સમગ્ર મામલાની સ્પષ્ટતા થશે.
ગામના કેટલાક લોકોનો દાવો છે કે વિસ્તારમાં માત્ર એક જ નહીં, પરંતુ દીપડા સાથે તેનું બચ્ચું પણ જોવા મળ્યું હતું. ઉપરાંત કોઈ પ્રાણીનું મારણ થયાની વાત પણ સામે આવી રહી છે. જોકે, આ તમામ દાવાઓની સત્તાવાર તપાસ ચાલી રહી છે અને વન વિભાગ તરફથી પુષ્ટિ મળવાની બાકી છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો દેખાયો હોવાના દાવાઓ સામે આવતા રહ્યા છે. અગાઉ ઘુમા વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો દેખાયો હોવાની ચર્ચા બાદ વન વિભાગે તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.ત્યારબાદ ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડા જેવી પ્રાણીની અવરજવર જાવા મળ્યાનો દાવો થયો હતો. જોકે, કેટલાક વાયરલ વીડિયો અંગે તપાસ દરમિયાન દીપડો નહીં પરંતુ અન્ય પ્રાણી હોવાનું પણ સામે આવ્યું હતું. વન વિભાગે લોકોને અફવા પર વિશ્વાસ ન કરવા અને કોઈ શંકાસ્પદ પ્રાણી દેખાય તો તાત્કાલિક વિભાગને જાણ કરવા અપીલ કરી હતી.
હવે સાણંદના મોટી દેવકી ગામમાં દીપડો હોવાની આશંકાને પગલે વન વિભાગ દ્વારા પાંજરા મૂકીને દેખરેખ વધારવામાં આવી છે. જોકે, હાલમાં દીપડાની હાજરીની સત્તાવાર પુષ્ટિ નથી. તપાસ, સ્થળ પરના પુરાવા અને વન વિભાગના નિરીક્ષણ બાદ જ સ્પષ્ટ થશે કે વિસ્તારમાં ખરેખર દીપડાની અવરજવર છે કે નહીં.
વન્યજીવ હોવાની આશંકાવાળા વિસ્તારમાં ગ્રામજનોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. રાત્રિના સમયે એકલા અવરજવર ટાળવી, બાળકોને એકલા બહાર ન મોકલવા અને કોઈ અજાણ્યા અથવા શંકાસ્પદ પ્રાણી દેખાય તો તેની નજીક જવાના બદલે તાત્કાલિક વન વિભાગ અથવા સ્થાનિક તંત્રને જાણ કરવી જરૂરી છે.







































