શિલ્પ ઓર્ગેનાઈઝેશન સુરેન્દ્રનગર અને સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે મહુવા તાલુકાની વિવિધ શાળાઓ અને સંસ્થાઓમાં માનસિક આરોગ્ય સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત હનુમંત ર્નસિંગ કોલેજ, ઓમ ઇન્સ્ટિટ્યૂટ, વ્યાયામ મંદિર તેમજ ઓથા, બગદાણા, નાના જાદરા, કુંભણ, સેદરડા, બોરડી અને બેલમપરની સરકારી હાઈસ્કૂલોમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. વર્તમાન સમયની ભાગદોડ ભરી જિંદગીમાં વધતા જતા માનસિક તણાવ અને આત્મહત્યાના બનાવોને રોકવા માટે આ એક મહત્વનું પગલું છે. ખાસ કરીને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે અને પરિણામથી નાસીપાસ ન થાય તે માટે તેમને ખાસ માર્ગદર્શન આપી પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં ડોક્ટરો અને શિલ્પ ઓર્ગેનાઈઝેશનના સામાજિક કાર્યકર નરેન્દ્ર મકવાણા, સાગર ગોહિલ, પિયુષ સરવૈયા અને ઓમ મકવાણાએ હાજર રહી વિદ્યાર્થીઓને આત્મહત્યા ન કરવાના શપથ લેવડાવ્યા હતા.









































