સુપ્રીમ કોર્ટે મત ગણતરી માટે ટોટાલાઈઝર મશીનોના ઉપયોગની માંગણી કરતા કેસની સુનાવણી કરી. ૨૦૧૪ માં દાખલ કરાયેલી આ જાહેર હિતની અરજીમાં વોર્ડ દ્વારા વ્યક્તિગત ઈવીએમ માંથી મતોની ગણતરી કરવાને બદલે, ટોટાલાઈઝરનો ઉપયોગ કરીને સમગ્ર સંસદીય મતવિસ્તારના મતોની ગણતરી એક સાથે કરાવવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હવે આ અરજી પર કેન્દ્ર સરકારનો અભિપ્રાય માંગ્યો છે.સીજેઆઇએ જણાવ્યું હતું કે તેઓ ટોટલાઈઝર દાખલ કરવાના નિયમોમાં સુધારો કરવા અંગે કેન્દ્ર સરકારનું વલણ સાંભળવા માંગે છે.
અરજીઓ પર સુનાવણી દરમિયાન, ભારતના ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જાણ કરી કે આ (ટોટલાઈઝર મશીનનો ઉપયોગ) માટે કાનૂની સુધારાની જરૂર છે – જે કમિશનના અધિકારક્ષેત્રની બહાર છે. શરૂઆતમાં, કમિશને સરકારને અપીલ કરી, અને સરકારે એક નિષ્ણાત સમિતિની રચના કરી, પરંતુ તે સંમત થઈ નહીં. મંત્રીઓના જૂથે પણ તેનો વિરોધ કર્યો.
સીજેઆઇએ કહ્યું, “મને લાગે છે કે તે ચૂંટણીની નિષ્પક્ષતા માટે હાનિકારક હોઈ શકે છે. જ્યારે તેઓ મેન્યુઅલી ગણતરી કરે છે, અથવા મશીનોમાં પણ, તમે જાઈ શકો છો કે ક્યાં છેડછાડ થઈ છે. કમનસીબે, ટોટલાઈઝર સાથે, તે પારદર્શક રહેશે નહીં. આનાથી લોકશાહીને શું નોંધપાત્ર ફાયદો થશે?” અરજદાર અÂશ્વની ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “તે ચૂંટણી પછીની હિંસાને અટકાવશે. તેનાથી મતદારોને ફાયદો થશે. કોઈને ખબર નહીં પડે કે મને કયા બૂથ પરથી કેટલા મત મળ્યા. ઘણા દેશો ફક્ત ગોપનીયતાના અધિકારનું રક્ષણ કરવા અને ચૂંટણી પછીની હિંસાને રોકવા માટે ટોટલાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણી પંચે ૨૦૦૭માં ટોટલાઈઝરને ટેકો આપ્યો હતો.”
અરજીઓમાં જણાવાયું છે કે ટોટલાઈઝર સિસ્ટમ દરેક ઉમેદવારને અલગ અલગ મતદાન મથકો પર કેટલા મત મળ્યા તે જાહેર કરશે નહીં. આ ચૂંટણી પછી મતદારોને નિશાન બનાવવા, તેમની સામે ભેદભાવ અને હિંસાને રોકવામાં મદદ કરી શકે છે. ટોટલાઈઝર એક સાથે અનેક મતદાન મથકો પરથી મત ગણતરી કરવાની મંજૂરી આપે છે. તે કોઈ ચોક્કસ બૂથની મતદાન પેટર્ન જાહેર કરતું નથી.








































