બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસકાર્યોને વેગ આપતાં જામ બરવાળાથી હિરાણા જવાના રસ્તે રૂ. ૨ કરોડના ખર્ચે નવા માઈનોર બ્રિજનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ બ્રિજનું વિધિવત ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેનાથી ચોમાસા દરમિયાન પડતી હાલાકીનો કાયમી ઉકેલ આવશે. કાર્યક્રમને સંબોધતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, જામ બરવાળા–હિરાણા માર્ગ પર વર્ષોથી વરસાદી દિવસોમાં અવરજવર ખોરવાઈ જતી હતી. આ નવો બ્રિજ બનવાથી મુસાફરીમાં થતા જોખમો દૂર થશે અને સુરક્ષિત તેમજ સતત પરિવહન સુનિશ્ચિત થશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યો, જામ બરવાળા તેમજ હિરાણાના સરપંચ, સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








































