લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ બાબરા તાલુકાના કલોરાણા ગામે એક વિશેષ સેવાકીય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બાબરા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ કલકાણી, તાલુકા ભાજપના પદાધિકારીઓ અને ઉત્સાહી કાર્યકરો દ્વારા સંયુક્ત ઉપક્રમે આ પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગામના નાના બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરાયું હતું. સાથોસાથ બાળકોના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગી ચોપડાઓનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું.ધારાસભ્યના જન્મદિવસને ભપકા વગર માત્ર માનવ સેવા અને સામાજિક પ્રવૃત્તિ સાથે જોડવાના ઉદ્દેશથી યોજાયેલા આ કાર્યક્રમમાં કલોરાણા ગામના અગ્રણીઓ, મોટી સંખ્યામાં બાળકો, ગ્રામજનો અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ કલકાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ધારાસભ્યના જન્મદિન નિમિત્તે સમાજમાં શિક્ષણ પ્રત્યે સાચી જાગૃતિ વધે અને જરૂરિયાતમંદ બાળકોને સમયસર શૈક્ષણિક સહાય મળી રહે તે જ આ ભગીરથ આયોજનનો મુખ્ય હેતુ છે.