બગસરા ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે સંવાદ માટે વિશેષ બેઠક યોજાઈ હતી. સંગઠન દ્વારા તાલુકા અને શહેરના તમામ પદાધિકારીઓ તથા સક્રિય કાર્યકર્તાઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં કાર્યક્રમમાં ધાર્યા કરતા ઓછી હાજરી જોવા મળી હતી. ખાસ કરીને બગસરા નગરપાલિકાના કુલ ૨૨ ચૂંટાયેલા સદસ્યોમાંથી માત્ર ૧૪ સદસ્યો હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. બાકીના સદસ્યોની ગેરહાજરી અંગે પ્રદેશ પ્રમુખે બેઠક દરમિયાન જ પૂછપરછ કરી હતી. પક્ષના મહત્વના સંગઠનાત્મક કાર્યક્રમમાં સદસ્યોની ગેરહાજરીને લઈને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. આ ઘટનાને પગલે ગેરહાજર રહેલા હોદ્દેદારો અને સદસ્યો સામે પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે પણ અટકળો ચાલી રહી છે.





































