બગસરા નાગરિક સહકારી બેંક લી.ના પરિસરમાં પ્રૌઢ ચોકીદાર પર હુમલો કરી નીચે પછાડી દેતાં લોહી નીકળતું બંધ કરવા ટાંકા લેવા પડ્યા હતા.બનાવ સંદર્ભે ચોકીદાર બાલુભાઈ પોલાભાઈ મકવાણા (ઉ.વ.૭૫)એ ઋત્વીકભાઈ ઉર્ફે પ્રતાપભાઈ દલસુખભાઈ પંચાસરા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાની ચોકીદારની ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન આરોપી દીવાલ કૂદી બગસરા નાગરિક સહકારી બેંક લી.ના પરિસરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અંદર આવી ગ્રીલ ખખડાવતો હતો. જેથી તેમણે તેને બહાર કાઢતાં તેમની સાથે અણબનાવ અને જપાજપી કરી હતી. ત્યારબાદ ફરીવાર આરોપી બેંકના લોખંડના દરવાજાની ગ્રીલ કૂદી પરિસરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અંદર આવી મુખ્ય ગેટની ગ્રીલ ખખડાવતો હતો. આથી ચોકીદારે તેને ફરી બહાર કાઢી, પોતે પણ બહાર નીકળી પોતાના ઘર બાજુ બનાવ અંગે જાણ કરવા જતા હતા. તે દરમિયાન આરોપીએ પાછળથી આવી અચાનક તેમના ઉપર હુમલો કરી ધક્કો મારી નીચે રોડ ઉપર પાડી દીધા હતા, જેમાં તેમને લોહી નીકળતું બંધ કરવા ટાંકા લેવા પડ્યા હતા. હુમલા બાદ આરોપી નાસી ગયો હતો. બનાવ અંગે બગસરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. પી.ડી. કલસરીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































