અમરેલી જિલ્લામાં ૨૭.૦૧.૨૦૨૬ના રોજ ૫ દિવસ બેંકિંગની મુખ્ય માંગણી સાથે તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. અમરેલી શહેર સહિત જિલ્લાભરની સરકારી બેંકોના ૬૦૦થી વધારે કર્મચારીઓ આ હડતાળમાં જોડાતા કરોડો રૂપિયાના રોકડ વહીવટ તેમજ ચેક ક્લીયરિંગની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.આ હડતાળના સંદર્ભમાં UFBUના નેજા હેઠળ અમરેલી ખાતે SBIની નાગનાથ ચોક શાખાના કમ્પાઉન્ડમાં એકત્ર થઈને કર્મચારીઓએ નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં બેંક કર્મચારી આગેવાનો પ્રશાંતભાઈ ઠુમ્મર (SBI), ધવલભાઈ ઉનડકટ (SBI), જયરાજભાઈ ખુમાણ (BOI) અને રાહુલભાઈ ત્રિવેદી (BOB) સહિતના અગ્રણીઓ જોડાયા હતા.કર્મચારી આગેવાનોના જણાવ્યા અનુસાર, માર્ચ ૨૦૨૪માં ઇન્ડિયન બેંક એસોશિએશન અને યુનિયન વચ્ચે થયેલા ૧૨મા દ્વિપક્ષીય કરાર દરમિયાન તમામ શનિવારે રજા જાહેર કરવા પર સહમતી બની હતી, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા તેની અધિસૂચના બહાર પાડવામાં આવી નથી. યુનિયનોની દલીલ છે કે તેઓ સંતુલિત કાર્યપ્રણાલીની માંગ કરી રહ્યા છે અને તેના બદલામાં દરરોજ ૪૦ મિનિટ વધારાનું કામ કરવા પણ તૈયાર છે. હાલમાં મહિનાના બીજા અને ચોથા શનિવારે જ રજા હોય છે, ત્યારે કરાર મુજબ તમામ શનિવારે રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.










































