થોડા દિવસો પહેલાં વાડીનાર પોલીસ મથકના બે પોલીસકર્મીઓ પ્રદીપસિંહ ગોહિલ અને કરશનભાઈએ શારીરિક અત્યાચાર ગુજાર્યો હોવાનો વીડિયો વાયરલ કરી ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના ૨૧ વર્ષીય એક યુવાને ઝેરી દવા પી ગટગટાવી હતી. જે બાદ ૧૦ દિવસની લાંબી સારવાર બાદ અંતે હોસ્પિટલમાં આ યુવકનું મોત નીપજતા આ ઘટનાને લઈને સ્થાનિક જાડેજા સમાજમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે, અને લગભગ ૫૦૦ લોકોએ વાડીનાર પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. ત્યારે મામલે ગંભીરતા જે જાઈ પોલીસે આ બંને પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, ગત ૧૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ આ યુવક અને તેના મિત્ર મોટરસાઈકલ પર જઈ રહ્યા હતા, ત્યારે વાડીનાર પોલીસે તેમને દારૂના નશામાં વાહન ચલાવવાના આરોપ હેઠળ અટકાવ્યા હતા અને પોલીસે બંને યુવાનોને ચેકપોસ્ટ પાસે જાહેરમાં ઢોર માર માર્યો હતો. બાદમાં વાડીનાર હાર્બર પોલીસ ચોકીએ લઈ જઈને વધુ મારપિટ કરી હતી. આ ઘટનાથી આઘાતમાં આવીને આ યવકે તા. ૧૮ ઓગસ્ટના રોજ ઝેરી દવા પીધી હતી. જે બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભોગ બનનાર યુવકે એક વીડિયો રેકોર્ડ કરીને આ તમામ માહિતી આપી હતી.

ઘટના મુજબ, ૧૦ દિવસની લાંબી સારવાર બાદ આ યુવકે હોસ્પિટલમાં દમ તોડ્યો ત્યારે આ વીડિયો વાયરલ થયો હતો. ઘટનાને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ વધુ ભભૂક્્યો હતો અને ગુસ્સામાં આવેલા સમાજના આશરે ૫૦૦ જેટલા લોકોએ વાડીનાર પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. ઉપરાંત કરણી સેના દ્વારા પણ આ મામલે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આપધાત પહેલા યુવકે રેકોર્ડ કરેલા વીડિયોને આધારે પ્રદીપસિંહ ગોહિલ અને કરશનભાઈ નામના બે પોલીસકર્મીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી)ની કલમ ૧૧૫(૨) (ઈરાદાપૂર્વક નુકસાન), ૧૦૮ (આત્મહત્યા માટે ઉશ્કેરણી) અને ૫૪ (ગુનાહિત ષડયંત્ર) હેઠળ ગુનો નોંધ્યો છે.

નોંધનીય છે કે, આ ઘટનાને બાદ છછઁ નેતા ઈસુદાન ગઢવીએ પણ પીડિત યુવકના પરિવાર સાથે મુલાકાત કરીને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંધવીને આ મામલે જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, “જો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સારી હોય, તો આવી ઘટનાઓ કેમ બને છે?” ત્યારે સ્થાનિક સમાજે પણ આ ઘટનાને લઈને ન્યાયની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આ ઘટનાએ ગુજરાતમાં પોલીસની કથિત બેદરકારી અને અત્યાચારના મુદ્દે ચર્ચા ઉભી કરી છે. સમાજના રોષ અને રાજકીય દબાણને પગલે આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ તો શરુ કરી છે, ત્યારે આ મામલે કડક કાર્યવાહીની અપેક્ષા હાલ આમ જનતા રાખીને બેઠી છે. હાલ આ મામલે જામ ખંભાળિયાના પીઆઈ બી.જે. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે. આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્્યતાઓ વર્તાઈ રહી છે