રવિવારે આસો સુદ એકમથી શરૂ થતા મા આરાધનાના મહાપર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમરેલી સહિત સમગ્ર જિલ્લામાં ગરબા રસિકો અને ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના પર્વને લઈને શહેરના શેરી-મહોલ્લાઓ, પાર્ટી પ્લોટો તેમજ ખાનગી ગરબા એકેડેમીઓમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગરબાના તાલે ઝૂમવા માટે યુવાનો અને યુવતીઓ રાત-દિવસ પ્રેક્ટિસ કરી રહ્યા છે.પરંપરાગત ગરબાની સાથે સાથે હાલના ટ્રેન્ડ મુજબ અર્બન અને ફ્યુઝન ગરબાના સ્ટેપ્સ શીખવા માટે પણ ખેલૈયાઓ ખાસ મહેનત કરી રહ્યા છે. દોઢિયા, પોપટિયું અને હુડો જેવા પરંપરાગત ગરબાના વિવિધ સ્ટેપ્સ પર પ્રભુત્વ મેળવવા માટે કલાકો સુધી પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. અનેક સ્થળોએ ગ્રુપ બનાવીને ખેલૈયાઓ ગરબાની તાલીમ લઈ રહ્યા છે. ગરબાના ગીતો સાથે તાલમેલ જળવાઈ રહે તે માટે ઢોલના તાલે પણ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.નવરાત્રી દરમિયાન પોતાના પરંપરાગત પહેરવેશમાં ગરબે રમવાનો ક્રેઝ પણ યુવાઓમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે શહેરના બજારોમાં ટ્રેડિશનલ ચણિયાચોળી, કેડિયા, કફની, દુપટ્ટા તેમજ એન્ટિક જ્વેલરીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. યુવતીઓમાં અલગ અલગ ડિઝાઈન અને કલરના ચણિયાચોળીની માંગ વધી છે, જ્યારે યુવકો પણ કેડિયા અને પરંપરાગત પહેરવેશની ખરીદી કરી રહ્યા છે. ગરબા માટે મેચિંગ જ્વેલરી, ઓક્સિડાઇઝ્ડ દાગીના અને વિવિધ પ્રકારની એસેસરીઝની પણ ખરીદી થઈ રહી છે.નવરાત્રીને લઈને આયોજકો દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગરબા સ્થળોએ સાઉન્ડ સિસ્ટમ, લાઈટિંગ અને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં શેરી ગરબાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગરબામાં જોડાવા માટે આતુર બન્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ સાંજ પડતા જ ગરબાના તાલ અને તાલીઓનો ગૂંજ સંભળાઈ રહ્યો છે. મા અંબાની આરાધના સાથે ગરબે ઘૂમવા માટે સમગ્ર જિલ્લો આતુરતાપૂર્વક નવરાત્રીની રાહ જોઈ રહ્યું છે.







































