ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આવેલી માધવ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૨૦ વર્ષીય ધર્મેશ બારૈયાના મોત બાદ વિવાદ સર્જાયો છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનોએ હોસ્પિટલના તબીબ ડો. ભાર્ગવ દેસાઈ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. બીજી તરફ ડોક્ટરે તમામ આક્ષેપોને ફગાવી દેતાં જણાવ્યું છે કે સારવાર દરમિયાન જરૂરી તમામ તબીબી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પોસ્ટમોર્ટમ અને એફએસએલ તપાસ શરૂ કરવામાં આવી છે.
ચકલાસી નજીકના જાદવપુરા વિસ્તારના રહેવાસી ધર્મેશ બારૈયાનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં તેના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થતાં પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે નડિયાદની માધવ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પ્રાથમિક તપાસ બાદ ડો. ભાર્ગવ દેસાઈએ ઓપરેશન જરૂરી હોવાનું જણાવી પરિવારની સંમતિ મેળવી હતી.
પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ઓપરેશન પહેલાં ધર્મેશ વાતચીત કરી શકે તેવી સ્થિતિતિમાં હતો. પરંતુ ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા બાદ અચાનક તેની તબિયત બગડી ગઈ હતી. ત્યારબાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેને નજીકના સીટી સ્કેન સેન્ટરમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ધર્મેશના પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન યોગ્ય કાળજી લેવામાં આવી નહોતી. તેમના આક્ષેપ મુજબ જો સમયસર અને યોગ્ય સારવાર આપવામાં આવી હોત તો યુવકનો જીવ બચી શક્્યો હોત. પરિવારજનોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બીજી તરફ ડો. ભાર્ગવ દેસાઈએ જણાવ્યું કે ધર્મેશને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન તમામ જરૂરી તબીબી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે યુવકનું મૃત્યુ આકસ્મિક રીતે થયું છે અને તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી થઈ નથી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધર્મેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. સાથે જ એફએસએલ દ્વારા જરૂરી નમૂનાઓ લેવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સીક રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે.








































