ધારીના દહીડા ગામની સીમમાં વાડીમાં મૂકેલા ઝટકા મશીનના શોક મુદ્દે કુટુંબીજનોમાં ડખો થયો હતો, જેમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી.
ઉમેશભાઇ બસુભાઇ જેબલીયા (ઉં. ૩૭) એ નાજભાઇ જીવાભાઇ જેબલીયા, મહેશભાઇ નાજભાઇ જેબલીયા, જયરાજભાઇ નાજભાઇ જેબલીયા તથા દિલુભાઇ નાજભાઇ જેબલીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાની વાડીએ રસ્તા પરથી જતા હતા ત્યારે આરોપીઓએ રસ્તામાં ચાલવાની ના પાડી હતી અને વાડીમાં મૂકેલો ઝટકા શોક કાઢી નાખવા કહ્યું હતું. જેથી ઉમેશભાઈએ કહ્યું કે, “વાડીમાં ચાલવાનો રસ્તો કાયદેસરનો છે અને ઝટકા શોક મેં મારી વાડીમાં મૂક્યો છે.” આ સાંભળી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડીના ઘા માર્યા હતા. તેમણે (ઉમેશભાઈએ) પોતાની વાડીએ કામ કરતા પિતા પાસે જઈને આ બનાવની હકીકત જણાવી હતી. થોડીવાર પછી આરોપીઓ તેમના ખેતરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી આવ્યા હતા અને હાથમાં રહેલું ધારીયું માથાના ભાગે મારી દીધું હતું. ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ સામે પક્ષે નાજભાઇ જીવાભાઇ જેબલીયા (ઉં. ૬૦) એ ઉમેશભાઇ બસુભાઇ જેબલીયા તથા બસુભાઇ રાવતભાઇ જેબલીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની તથા આરોપીની વાડી એક જ શેઢે આવેલી છે. આરોપીએ તેમના ખેતરમાં ઝટકા શોક મૂકેલો હોવાથી તેમણે કહ્યું કે, “તારી વાડીમાં મૂકેલો ઝટકા ચોક બંધ કરી દે, કેમ કે
મારી વાડીમાં મજૂરો આવેલા છે અને તેમની સાથે નાના બાળકો પણ છે, જો તેઓ આ ઝટકાના વાયરને અડી જશે તો અકસ્માત થશે.” આ સાંભળી આરોપીએ “ઝટકા શોક તો ચાલુ જ રહેશે, તારાથી થાય તે કરી લેજે” તેમ કહી ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત, થોડે દૂર ખેતરમાં ઊભા રહી હાથમાં રહેલી લોખંડની ખપાળી બતાવી જેમ ફાવે તેમ ગાળો આપી હતી તેમજ “જો હવે અમારી સામે વધારે કાંઈ બોલીશ તો તને જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી હતી.