દાહોદના પરેલ વિસ્તારમાં આવેલી અને અંગ્રેજાના શાસનકાળથી કાર્યરત ઐતિહાસિક રેલવે કેન્ટીન હાલમાં બંધ કરવાની ફરજ પડી છે. આશ્ચર્યજનક રીતે, આટલી મોટી સંસ્થાની કેન્ટીન માત્ર એલપીજી ગેસની અછતને કારણે ઠપ્પ થઈ ગઈ છે. જેને પગલે હજારો રેલવે કર્મચારીઓ અને અધિકારીઓ માટે ચા-નાસ્તા અને જમવાની મોટી મુશ્કેલી ઉભી થઈ છે.
દાહોદ રેલવે વર્કશોપના કર્મચારીઓ માટે આ કેન્ટીન આશીર્વાદ સમાન હતી. અહીં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓને માત્ર રૂપિયા ૩૦ માં સાદું અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવતું હતું. મોંઘવારીના જમાનામાં રેલવે કર્મીઓ માટે આ કેન્ટીન એક મોટો સહારો હતી, પરંતુ ગેસનો બોટલ ન મળતા રસોડું બંધ થઈ ગયું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કેન્ટીન સંચાલકોને જરૂરી જથ્થામાં એસપીજી ગેસના બોટલ ઉપલબ્ધ ન થતા છેવટે ઐતિહાસિક કેન્ટીનને તાળાં મારવાની નોબત આવી છે. પરેલ વિસ્તારમાં આવેલી આ કેન્ટીન બંધ થવાથી કર્મચારીઓની હાલાકીમાં પણ વધારો થયો છે, કારણ કે હવે તેમને ચા-નાસ્તા કે જમવા માટે બહાર ભટકવું પડે છે અથવા તો કામના કલાકો દરમિયાન ભૂખ્યા પેટે રહેવાની ફરજ પડી રહી છે. આ કેન્ટીન માત્ર એક સામાન્ય ભોજનાલય નથી, પરંતુ અંગ્રેજાના સમયથી સતત કાર્યરત હોવાથી તેનું વિશેષ ઐતિહાસિક મહત્વ પણ રહેલું છે, ત્યારે આટલી જૂની વ્યવસ્થા બંધ થવી એ રેલવે તંત્રની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઊભા કરી રહ્યું છે.
કેન્ટીન બંધ થવાથી માત્ર નાના કર્મચારીઓ જ નહીં, પરંતુ ઉચ્ચ અધિકારીઓને પણ નાસ્તા અને ભોજનની સમસ્યા નડી રહી છે. રેલવે યુનિયનો અને કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ગેસના પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવે અને આ ઐતિહાસિક કેન્ટીનને ફરીથી ધમધમતી કરવામાં આવે. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે જા આવી રીતે જ ગેસની અછત રહેશે, તો આગામી દિવસોમાં અન્ય સરકારી મેસ કે કેન્ટીનો પર પણ તેની અસર જાવા મળી શકે છે.







































