સાવરકુંડલાના જેજાદ ગામે ‘તમો કેમ મારા દીકરાને સાથે રખડાવો છો?’ તેમ કહી ગાળો બોલીને ઢીકાપાટુ માર્યા હતા. બનાવ સંદર્ભે ભાવેશભાઇ મગનભાઇ ગોહિલે ભુપતભાઇ કાનાભાઇ વાઘેલા, લાલજીભાઇ ભુપતભાઇ વાઘેલા તથા અજયભાઇ મેર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા ઇજા પામનાર સાહેદ અલ્પેશભાઇ મગનભાઇ ગોહિલ તથા ભુપતભાઈ કાનાભાઈ વાઘેલાનો દીકરો અતુલભાઇ ભુપતભાઇ વાઘેલા – એ રીતેના ત્રણેય ઇકો ગાડી લઇને વંડા મુકામે નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરીને પોતાના ગામ જેજાદ મુકામે પરત આવતા હતા તે દરમ્યાન જેજાદ ગામે નવી પંચાયત ઓફિસ પાસે પહોંચતા આરોપી ભુપતભાઈ વાઘેલા પંચાયત ઓફિસ પાસે ઉભા હોય અને તેઓએ હાથ ઉંચો કરતા તેમણે ઇકો ગાડી ઉભી રાખી હતી. તેમણે તેની સાથે રહેલ ઇજા પામનાર સાહેદ અલ્પેશભાઇ મગનભાઇ ગોહિલને કહેલ કે, ‘તમો કેમ મારા દીકરા અતુલને સાથે રખડાવો છો?’ તેમ કહી અલ્પેશભાઇ મગનભાઇ ગોહિલને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને અલ્પેશભાઇ મગનભાઇ ગોહિલ ગાડીમાંથી નીચે ઉતરતા લોખંડની પાઇપનો ઘા માર્યો હતો. આ દરમ્યાન અન્ય આરોપીઓ પણ આવી ગયા હતા. આ ત્રણેય લોકો અલ્પેશભાઇ મગનભાઇ ગોહિલને વધુ માર ન મારે તે સારું તેમને બચાવવા ફરિયાદી ગાડીમાંથી નીચે ઉતરતા તેમને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. લોખંડની પાઇપનો એક ઘા તેમને માથામાં વચ્ચેના ભાગે મારી દીધો હતો અને તેમને તથા ઇજા પામનાર સાહેદને રાડારાડી કરતા જોઈ ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એમ.વિંઝુડા વધુ તપાસ કરી રહ્યા છે.








































