જાફરાબાદ પોલીસ સ્ટેશન પરિસરમાં પુત્રીનો કબજો મેળવવાની બાબતે એક પુરુષે ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી હતી. પત્ની અને સસરા પક્ષ સાથે ચાલી રહેલા પારિવારિક વિવાદમાં પોલીસ પર દબાણ ઊભું કરવાના ઇરાદે તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.બાબરકોટ ગામના રહેવાસી રવજીભાઈ આતુભાઈ સાંખટના લગ્ન જાફરાબાદના રમેશભાઈ પાંચાભાઈ પરમારની પુત્રી અંજલી સાથે થયા હતા. બંને વચ્ચે તકરાર થતાં પત્ની અંજલી પુત્રી અનવીને લઈને પિયર રહેવા જતી રહી હતી. ગત ૧૪ સપ્ટેમ્બરના રોજ રવજીભાઈએ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી પોતાની પુત્રીનો કબજો અપાવવા માગણી કરી હતી. જોકે, બાળકીના કબજા બાબતે કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવાની રહેતી હોવાથી તેમજ ઘટનાસ્થળ બાબરકોટ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન હદમાં આવતું હોવાથી પોલીસે તેમને યોગ્ય સ્થળે રજૂઆત કરવા સમજાવ્યા હતા.ત્યારબાદ ૨૧ સપ્ટેમ્બરના રોજ રવજીભાઈએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે, ૨૦ સપ્ટેમ્બરના રોજ નર્મદા કોલોની પાસે તેમના સસરા રમેશભાઈ પુત્રી અનવીને રમાડતા હતા, ત્યારે પોતે પુત્રીને રમાડવા માગતાં સસરાએ બોલાચાલી કરી તેમના ગાલ પર તમાચો મારી દીધો હતો. પોલીસે આ મામલે નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. તે જ સમયે સામા પક્ષે સસરા રમેશભાઈ પણ રવજીભાઈ સામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાંથી નીકળતી વખતે રવજીભાઈએ કહ્યું હતું કે, ‘જો તમે મને મારી દીકરી નહીં અપાવો તો હું શું કરીશ તે તમે વિચારી પણ નહીં શકો.’ આ રકઝક બાદ રવજીભાઈએ પોતાની સાથે લાવેલી ફિનાઇલની બોટલમાંથી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ ફિનાઇલ પી લીધું હતું. ઘટનાને પગલે પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડીને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. બી.એમ. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.





































