ધર્મના નામે ઠગાઈ કરવાની વધુ એક ઘટના સામે આવી હતી. જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના એક વેપારી પાસેથી ગૌશાળા બનાવવાનું બહાનું ધરીને લાખો રૂપિયાનું મટીરીયલ મંગાવી નાણાં ન ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ અંગે વિપુલભાઈ બાબુભાઈ શેખડા (ઉ.વ.૩૭)એ પંકજભાઈ પટેલ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.આ બનાવની વિગત એવી છે કે, આરોપીએ તેમનો સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેને ડેડાણ ગામે ગૌશાળા બનાવવાની છે અને ત્યાં મોટા શેડનું નિર્માણ કરવાનું હોવાથી લોખંડના મટીરીયલની જરૂર છે. આરોપીની વાતોમાં આવી જઈને વેપારીએ મટીરીયલના ભાવ આપ્યા હતા.ત્યારબાદ, ટીંબી હાઈ-વે રોડ, વડલી રોડ પર ભરડીયાની સામે આવેલી ‘અંજની સ્ટીલ’ નામની દુકાનેથી આરોપીએ અલગ-અલગ સમયે કુલ રૂ. ૫,૦૪,૫૬૩/- નું મટીરીયલ (લોખંડ અને અન્ય સામાન) ભરી લીધું હતું. માલની ડિલેવરી લઈ લીધા બાદ જ્યારે વેપારીએ પોતાના મટીરીયલના રૂ. ૫.૦૪ લાખ માંગ્યા, ત્યારે આરોપીએ આ રકમ ચૂકવવામાં આનાકાની કરી હતી અને અંતે પૈસા આપ્યા નહોતા. ગૌશાળાના નામે વિશ્વાસમાં લઈને આટલી મોટી રકમનો માલ પડાવી લેતા વેપારીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.










































