ગીર ગઢડાના સણોસરીના ખંભાળા વિસ્તારમાં બાલુભાઈ ભગુભાઈ કાતરીયાની વાડીમાં ખેતમજૂરી અર્થે ગોધરાથી આવેલ ગિરીશભાઈ બામણીયાના પરિવાર સાથે ગત રાત્રે કરૂણ બનાવ બન્યો હતો. પરિવાર દોઢ બે મહિનાથી વાડીમાં રહેતો હતો. રાત્રે ભોજન બાદ પરિવારજનો આશરે ૧૨ ફૂટ ઊંચા ધાબા પર સુવા ગયા હતા. માતા-પિતાની વચ્ચે સૂતેલા ત્રણ વર્ષના પુત્ર ચેતનને લાકડાની સીડી વાટે ધાબા પર આવેલા દીપડાએ અચાનક મોઢામાં દબોચી લીધો હતો. પિતાએ ભારે પ્રતિકાર કર્યો છતાં દીપડો બાળકને લઈને શાકભાજી અને જુવારના ખેતર તરફ ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં વાડી માલિક કાંતિભાઈ લાડુમોર, ગ્રામજનો અને જસાધાર રેન્જના RFO કે.સી. ચોહાણ સહિત વનવિભાગની ટીમ સ્થળે પહોંચી હતી. રાત્રે સઘન શોધખોળ બાદ જુવારના ખેતરમાંથી ચેતનનો ગળા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ સાથે મૃતદેહ મળી આવ્યો હતો. પીએમ બાદ
મૃતદેહ પરિવારને સોંપતા તેઓ ગોધરા જવા રવાના થયા હતા.







































