ખાંભા તાલુકાના વાંકીયા ગામમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગામના અંદાજે ૮૦ ટકા રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી અવરજવરમાં હાલાકી પડે છે. દોઢ વર્ષ પહેલા બનાવવામાં આવેલ પીવાના પાણીનો ટાંકો પાણી ન ટકતું હોવાથી ગ્રામજનોને પીવાના પાણીની અગવડતા ભોગવવી પડે છે. વર્ષો પહેલા બનાવાયેલી માધ્યમિક શાળાનું મકાન તથા તેની આસપાસની દિવાલો તૂટી જતાં બિનકાયદેસર દબાણો થયાની રજૂઆત કરવામાં આવી છે. ગામની આસપાસ આવેલી બે નદીઓના પાણીનો સંગ્રહ થાય તે માટે નવા ચેકડેમો બનાવવા તેમજ જૂના ચેકડેમોની મરામત કરી ઊંડા કરવાની માંગ પણ કરવામાં આવી છે. ગામની ભૂગર્ભ ગટર યોજના પણ પૂરતી ન હોવાનું તેમજ ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાની તૂટેલી દિવાલો નવી બનાવવા રજૂઆત કરાઈ છે. સાવરકુંડલા-ખાંભા રોડ પર વધતા ટ્રાફિકને ધ્યાનમાં લઈ ગિરધર વાવના પાટિયાથી લાપાળા પર્વત સુધીનો આશરે ૨૦ કિમી રોડ ફોરલેન કરવા અને ઈંગોરાળા-વાંકીયા રોડનું રિસરફેસિંગ કરવાની માંગ છે. અમદાવાદ, વડોદરા અને સુરત માટે સીધી એસ.ટી. બસ સેવા શરૂ કરવા તેમજ નિયમિત સફાઈ માટે સફાઈ કામદાર મુકવાની પણ માંગ ઉઠી છે. ગ્રામજનોએ લોકદરબાર યોજી પ્રશ્નો ઉકેલવાની માંગ કરી છે.






































