ખાંભા તાલુકાના ભાણીયા ગામની પ્રાથમિક શાળામાં એક સરસ પહેલ કરવામાં આવી હતી. શાળાના શિક્ષકો અને પરિવારે સાથે મળીને શાળાને સિલાઈ મશીન ભેટ આપ્યું હતું. આ સિલાઈ મશીન આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓને માત્ર ભણતર જ નહીં, પણ જીવનમાં કામ લાગે તેવી આવડત શીખવવાનો છે. સિલાઈની તાલીમ મળવાથી દીકરીઓ ભવિષ્યમાં પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી શકશે અને આત્મનિર્ભર બની શકશે. શાળાના આચાર્ય દિવ્યેશભાઈ બાથાણીએ જણાવ્યું કે, આ સિલાઈ મશીન એક યંત્ર નથી, પણ દીકરીઓના સપનાને સાકાર કરવાની એક તક છે. આ કાર્યમાં શાળાના શિક્ષકો જેવા કે નયનાબેન, રતુલાબેન, નિશાંતભાઈ, ખ્યાતીબેન, નીતિનભાઈ અને ગામના સરપંચ ભગતભાઈ ભમ્મર તેમજ અન્ય ગ્રામજનોનો પણ સહયોગ રહ્યો હતો. આ પ્રકારના પ્રયાસોથી ગામડાંની દીકરીઓ માટે નવી તકો ઊભી થાય છે અને શિક્ષણ દ્વારા સમાજમાં સકારાત્મક બદલાવ આવે છે.