ખાંભાના ડેડાણ ગામે દૂધ લેવા નહીં આવવાનું કહેતા માથાકૂટ થઈ હતી. બંને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી. અબ્દુલભાઈ ઇસાભાઈ અગવાન (ઉ.વ.૩૮)એ યાસ્મીનબેન અલ્તાફભાઈ બોળાતર, અલ્તાફભાઈ જુસબભાઈ બોળાતર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે યાસ્મીનબેન બોળાતરને પોતાના ઘરે દૂધ લેવા આવવાની ના પાડી હતી. તે બાબતનું બંને આરોપીને સારૂ નહી લાગતા ગાળો આપી તથા શરીરે આડેધડ લાકડીના ઘા મારી મુંઢ ઇજાઓ કરી હતી. જતા જતા બંને આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ યાસ્મીનબેન અલ્તાફભાઈ બોળાતર (ઉ.વ.૩૭)એ અબ્દુલભાઈ ઇસાભાઈ અગવાન સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ આરોપીના ભાઈના ઘરે દૂધ લેવા ગયા હતા. આ બાબતનું આરોપીને સારું નહીં લાગતા તેમને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત મુંઢમાર મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.









































