વડિયામાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર મોહરમ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હઝરત ઈમામ હુસેનની શહાદતની યાદમાં વિવિધ કમિટીઓ દ્વારા થર્મોકોલ અને અન્ય સામગ્રીમાંથી કલાત્મક તાજીયા તેમજ મકબરા તૈયાર કરાયા હતા, જે લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હજરસા પીરની દરગાહથી શરૂ થયેલું તાજીયાનું ભવ્ય જુલૂસ જ્યારે વડિયાની મુખ્ય બજારમાંથી પસાર થયું, ત્યારે હિન્દુ ધર્મના લોકો પણ તેમાં શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. ગાંધી ચોક સ્થિત રામજી મંદિર પાસે સ્થાનિક હિન્દુ યુવાનોએ જુલૂસમાં સામેલ લોકો માટે આઈસ્ક્રીમનું વિતરણ કરીને હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વડિયા પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.










































