ગીર સોમનાથ જિલ્લામાં હોળી અને ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત કોડીનાર પોલીસે અલગ-અલગ ચાર દરોડા પાડીને કુલ રૂ.૫.૫૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ૬ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા બાતમીના આધારે પીપળવા પાટિયા, માલગામ પુલ અને વેરાવળ બાયપાસ સહિતના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પીપળવા પાટિયા પાસે સુત્રાપાડાના જયેશ મહેન્દ્રભાઇ બારડને રૂ.૧.૫૨ લાખના દારૂની ૧૨૨ બોટલો અને બલેનો કાર સાથે કુલ રૂ.૪.૦૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. દીવના વણાંકબારાના બે યુવકો પ્રભાત દેવજી સોલંકી અને ધવલ લાલજી સોલંકીને વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે મેસ્ટ્રો મોટરસાયકલ પરથી ઝડપ્યા હતા. આ કેસમાં દારૂ મંગાવનાર વેરાવળના અંકિત હીરાભાઈ ડાલકીને પકડવા તજવીજ ચાલુ છે. જ્યારે ચોરવાડના બે શખ્સો રોહિત ભાયાભાઈ વાજા અને અભય દિનેશભાઈ સેવરાને બાઈક પર ૩૩ બીયર ટીન સાથે ઝડપી પાડ્યા હતા. પ્રભાસ પાટણના રાજ મગનભાઇ ચૌહાણને બાઈક પર ૬૧ બોટલ દારૂ સાથે ઝડપી લેવાયો હતો. પોલીસે આ ચારેય દરોડામાં કુલ મળીને રૂ.૫,૫૧,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેમાં વિદેશી દારૂની બોટલો, બીયર ટીન, એક કાર, ત્રણ મોટરસાયકલ અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.









































