ઓડિશાના પારાદીપ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ઈફકો IFFCOના સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, આજે લોકાર્પિત થયેલો આ પ્લાન્ટ સલ્ફ્યુરિક એસિડ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ નવા સંયત્રને રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપનારુ ગણાવ્યું હતું. ઈફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીએ સ્વાગત પ્રવચનમાં ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઈફકો પારાદીપમાં વિશ્વનો સૌથી મોટો સિંગલ રીએક્ટર ફોસ્ફોરિક એસિડ પ્લાન્ટ સ્થાપિત છે, જે સંસ્થાની ટેકનિકલ ક્ષમતા અને ઉત્તમ વ્યવસ્થાપનનું પ્રતીક છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્રથમ વખત કોઈ ખાનગી સત્રનું અધિગ્રહણ કરી એક સહકારી સંસ્થાએ તેને ભારતનું શ્રેષ્ઠ સંયત્ર બનાવ્યું છે, જે સહકારિતાની શક્તિ અને ઈફકોની દૂરદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ છે.
આ ઐતિહાસિક પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ઓડિશાના રાજ્ય મંત્રી સંપદ ચંદ્ર સ્વાઈ, સાંસદ બિભૂ પ્રસાદ તરાઈ, ઈફકોના ઉપાધ્યક્ષ બલવીર સિંહ, પ્રબંધ નિયામક કે. જે. પટેલ તેમજ ઈફકોના નિર્દેશક મંડળના તમામ સભ્યો અને અન્ય ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઈફકો પારાદીપના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ કેન્દ્રીય મંત્રીએ સત્રની મુલાકાત લીધી હોવાનું પણ આ તકે નોંધવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૨માં ઓડિશાની પ્રથમ ‘રીવરાઈન જેટી’ સ્થાપિત કરી પરિવહન વ્યવસ્થાને સરળ બનાવનાર ઈફકો, ખેડૂતોની
સમૃદ્ધિ અને દેશની પ્રગતિ માટે સતત પ્રતિબદ્ધ હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું.