કેન્દ્ર સરકાર દ્વારા આગામી ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ સંસદમાં ઈલેક્ટ્રિસિટી (એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૫ રજૂ કરવાની યોજનાના વિરોધમાં દેશભરના વીજ કર્મચારીઓ અને એન્જિનિયરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નેશનલ કોઓર્ડિનેશન કમિટી ઓફ ઈલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સ (NCCOEEE) ના આહવાન પર દેશના અંદાજે ૨૭ લાખ વીજ કર્મચારીઓ આ દિવસે કાર્યબહિષ્કાર કરી રસ્તા પર ઉતરી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.
ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનના ચેરમેન શૈલેન્દ્ર દુબેની અધ્યક્ષતામાં મળેલી ઓનલાઈન બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સંગઠનોનો આક્ષેપ છે કે આ બિલ ખેડૂત, ગ્રાહક અને કર્મચારી વિરોધી છે. અગાઉ હિતધારકો પાસેથી મંગાવવામાં આવેલા સૂચનોને જાહેર કર્યા વિના જ ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ એક ર્વકિંગ ગ્રુપની રચના કરવામાં આવી છે, જેમાં ખાનગીકરણનું સમર્થન કરતા ‘ઓલ ઈન્ડિયા ડિસ્કોમ એસોસિએશન’ ને સામેલ કરવામાં આવતા આ પ્રક્રિયાને પક્ષપાતી અને ગેરબંધારણીય ગણાવવામાં આવી છે. ૯ માર્ચે દિલ્હીમાં સાંસદો સાથે બેઠક યોજી આ બિલની ગંભીર અસરો વિશે પણ જાણ કરવામાં આવશે.
મહત્વનું છે કે, આ વિરોધ પ્રદર્શન દરમિયાન ગુજરાતભરમાં વીજ સપ્લાયમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ પાડવામાં આવશે નહીં તેની ખાતરી આપવામાં આવી છે. જોકે, ખાનગીકરણ તરફના પગલાં સામે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાતમાં વિરોધની અસર
ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ રાજ્યના ૭,૦૦૦ ઈજનેરો અને ૪૦,૦૦૦ વીજ કર્મચારીઓ પણ આ આંદોલનમાં જોડાશે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ (AGVKS) ના સિનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલ અને GEBEA ના સેક્રેટરી જનરલ એચ. જી. વઘાસિયાના જણાવ્યા અનુસાર, જો બિલ ૧૦ માર્ચે સવારના સત્રમાં રજૂ થશે તો બપોરે ૦૨ઃ૦૦ થી ૦૨ઃ૩૦ (લંચ સમય) દરમિયાન અને જો બપોર પછી રજૂ થશે તો સાંજે ૦૬ઃ૩૦ કલાકે દરેક મુખ્ય ઓફિસ પાસે પ્રદર્શન કરવામાં આવશે.