અમરેલી પંથકમાં સગીરાનું મોંઢુ દબાવી અવાવરુ જગ્યાએ લઈ જઈ જાતીય સતામણી કર્યાનો બનાવ સામે આવ્યો હતો. આ અંગે સગીરાએ મેહુલ રાઠોડ નામના યુવક રવિયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેનો પીછો કરી અને તેને હાથથી ગંદા ગંદા ઇશારાઓ વડે જાતીય માંગણી કરી હતી. તેમજ સબંધ બાંધવા માટે બળજબરી કરી હતી. જો કોઇને વાત કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તા૨૪/૦૯/૨૦૨૬ ના રોજ તે શાળાએ જતી હતી તે સમયે આરોપી પાછળથી ડાબો હાથ પકડી લઈ તેની આબરૂ લેવાના ઈરાદે ગુનાહીત બળ વાપરી મોંઢુ હાથ વડે દબાવી દીધું હતું. તેમજ અવાવરુ જગ્યાએ લઈ જઈ બથ ભરવાની કોશિષ કરીને ડાબા હાથે ઇજા કરી જાતીય સતામણી કરી હતી. જે અંગે તેના પિતાએ આરોપીના ઘરે જઈ તેના માતા-પિતાને બનાવની વાત કરી હતી. જેનુ મનદુઃખ રાખી આરોપીએ તેમના ઘરે આવી તેના પિતાને છરી બતાવી ગાલ ઉપર ઝાપટ મારી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ઓ.કે.જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.