કુંકાવાવના ભાયાવદર મુકામે અંદાજિત રૂ. ૯૧.૧૦ લાખના ખર્ચે નવનિર્મિત અદ્યતન પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે આધુનિક સુવિધાઓ મળી રહે અને તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય તે દિશામાં નવનિર્મિત શાળા સંકુલ મહત્વપૂર્ણ સાબિત થશે. નવનિર્મિત શાળા ભવનમાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શાળામાં પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા, સેનિટેશન સહિતની જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. શાળાના નવા ભવનથી વિદ્યાર્થીઓને ભણવા માટે સ્વચ્છ, સુઘડ અને પ્રોત્સાહક વાતાવરણ મળી રહેશે. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના છેવાડાના બાળકોને પણ શિક્ષણ માટે વધુમાં વધુ અને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે સરકારની પ્રાથમિકતા છે. ભાયાવદર ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળા ભવન પણ શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા આ પ્રગતિશીલ વિકાસનું એક ઉદાહરણ છે. આ નવું ભવન ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન આપશે અને આવનારી પેઢીના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. શાળામાં ઉપલબ્ધ સુવિધાઓનો વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ લે અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના હોદ્દેદારો, અમરેલી શહેરના હોદ્દેદારો, ભાયાવદરના સરપંચ અને પંચાયત સભ્યો, સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો, શાળાના આચાર્ય સહિતનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. નવા શાળા ભવનના લોકાર્પણથી ભાયાવદર ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.





































