અમરેલી સ્થિત ત્રિમંદિર ખાતે અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંડળની દ્વિતીય વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ખજાનચી હિતેશભાઈ સોરઠીયા દ્વારા નાણાકીય હિસાબો રજૂ કરાયા હતા. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ, નવા નિયુક્ત અને નિવૃત્ત થતા કર્મચારીઓ તેમજ દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આઈએફએસ વિકાસ યાદવ, પ્રભાતભાઈ કોઠીવાળ અને રાજુભાઈ ભૂતૈયા જેવા અગ્રણીઓએ પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. સંસ્થાના સ્થાપક પ્રમુખ ભરતભાઈ ડેરે મંડળની કામગીરીની વિગતો આપી નવનિયુક્ત પ્રમુખ હિમાંશુભાઈ કાલસરીયાને જવાબદારી સોંપી હતી. આ તકે કર્મચારીઓની નાણાકીય સહાય માટે ‘અમરેલી જિલ્લા આહીર કર્મચારી સહકારી શરાફી મંડળી’ રચવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આહીર સમાજના કર્મચારીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.