નવા વર્ષ ૨૦૨૬ના પ્રારંભે અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની રાત્રિએ મજા માણતા તત્વો પર લગામ કસવા માટે પોલીસ દ્વારા જિલ્લાભરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૧૧૩ જેટલા વ્યક્તિઓ નશાની હાલતમાં ઝડપાયા હતા.
જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ, અમરેલી શહેર સહિત ધારી, સાવરકુંડલા, જાફરાબાદ અને રાજુલા જેવા વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શંકાસ્પદ જણાતા વાહનચાલકો અને વ્યક્તિઓની બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા પકડાયેલા તમામ ૧૧૩ લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસે ઠેર-ઠેર ‘ચેકપોસ્ટ’ ઉભી કરી હતી. આટલી મોટી સંખ્યામાં પીધેલાઓ ઝડપાતા ચકચાર મચી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નશાખોરો સામે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જ્યારે ૧૫ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયા હતા. લીલીયામાં અનાજના ગોડાઉન પાછળથી અરવિંદભાઇ ઝવેરભાઇ ચૌહાણ (ઉ.વ.૫૨) નામના વ્યક્તિ પાસેથી પીવાનો ૨૨ લીટર દેશી દારૂ મળ્યો હતો.








































