ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ અમરેલી જિલ્લામાં દબાણ બાબતે સવાલ કરતા સરકારનો જવાબ
૪૩ વર્ષ સુધી ગૌચરની જમીન પર દબાણ હોવાછતાં સરકાર દ્વારા ઢીલી કામગીરીથી પશુપાલકોમાં રોષ
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા ગુજરાત વિધાનસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના ઉત્તરમાં અમરેલી જિલ્લામાં ગૌચરની જમીનો પરના દબાણોનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સરકારે સ્વીકાર્યું છે કે અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ગૌચરની જમીન પર મોટાપાયે ગેરકાયદેસર દબાણો થયેલા છે. અમરેલી તાલુકાના શેડુભાર ગામમાં સૌથી વધુ ગૌચરની જમીન દબાયેલી હોવાનું સામે આવ્યું છે.જયારે ખાંભા તાલુકામાં છેલ્લા ૪૩ વર્ષથી ગૌચરની જમીન પર દબાણ હોવાનો પર્દાફાશ થયો છે, જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ગૌચરની જમીનો ભૂમાફિયાઓ અથવા અન્ય તત્વો દ્વારા પચાવી પાડવામાં આવી છે.જીજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે સરકારને ઘેરતા જણાવ્યું કે, એક તરફ પશુઓ માટે ચરિયાણની જમીન ખૂટી રહી છે અને બીજી તરફ દાયકાઓથી ચાલતા દબાણો દૂર કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. માલધારી સમાજમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજય સરકાર દ્વારા જ ગૌચરની જમીન પર દબાણકર્તાઓ સામે કોઈ જ પ્રકારની કામગીરી કરતું ન હોવાથી આ બાબતે ભુમાફીયાઓને છુટો દોર મળી ગયો છે. ૪૩ વર્ષથી ગૌચરની જમીનમાં દબાણ થયેલુ હોવા છતાં સરકારની ઉદાસીન નીતિ સામે આવી છે.
૦૧ થી લઈ ૪૩ વર્ષ સુધી ગૌચરમાં દબાણ સરકાર હજુ ફીફા ખાંડે છે
આ અંગે પશુપાલકો રોષ સાથે જણાવી રહ્યા છે કે ખાંભા તાલુકામાં ૪૩ વર્ષથી ગૌચરમાં દબાણ હોવાનો સરકારે જ સ્વીકાર કર્યો છે. આટલા વર્ષો સુધી સરકારે પશુ માટેના ગૌચર માટે કોઈ જ કાર્યવાહી કરી નહી. જિલ્લાના ૮ તાલુકાઓમાં ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવેલ છે. ગૌચરની જમીન પર દબાણ કરનારાઓ સામે સરકાર ઉંઘતી ઝડપાઈ છે. સરકારની આવી નીતિથી પશુપાલકોમાં રોષ ફેલાયો છે.
દબાણકર્તાઓ સામે કાર્યવાહી માટે કોર્ટનો આશરો
અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં દબાણકર્તાઓએ ગૌચરની જમીન પર દબાણ કરેલ હોવાની માહિતી વિધાનસભામાં રજૂ થતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લાના ૮ તાલુકાઓમાં દબાણ થયુ હોવાનો સરકારે જ સ્વીકાર કર્યો છે. આ દબાણકર્તાઓ સામે સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો હતો કે, આ બાબતે જિલ્લા જમીન દફતર દ્વારા માપણીની કાર્યવાહી ચાલુ છે તો અન્ય તાલુકાઓમાં કોર્ટ મેટર ચાલુ હોવાનુ જણાવવામાં આવ્યુ છે. જા કે આ બધી બાબતોના નિકાલ માટે હજુ વર્ષો નિકળી જાય તેવુ લાગી રહ્યુ છે.
તાલુકો ગામનું નામ ગૌચરમાં દબાણની સંખ્યા સમયગાળો
ખાંભા ખાંભા ૦૧ ૪૩ વર્ષ
ચક્રાવા રર ૪૩ વર્ષ
સાળવા ૦૧ ૪૩ વર્ષ
ભાવરડી ૦૧ ૪૩ વર્ષ
અમરેલી મોણપુર ૩૩ ૧૩ વર્ષથી
શેડુભાર ૬૦ ૦૧ વર્ષથી
ધારી દલખાણીયા ૦પ ૧પ વર્ષથી
રાજુલા કોવાયા ૩૪ ૧૪ વર્ષથી
લાઠી રામપુર ૩પ ૩પ વર્ષથી
જાફરાબાદ ભાડા ૩૩ ૦૭ વર્ષથી
બગસરા સમઢીયાળા ૦૭ ૧પ વર્ષથી
કુંકાવાવ મોરવાડા ૦૧ ૧૦ વર્ષથી










































