ઉજ્જૈન ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, રાષ્ટ્રીય છાત્ર પરિષદ, રાષ્ટ્રીય મહિલા પરિષદ અને ઓજસ્વિની સંગઠનનું ભવ્ય રાષ્ટ્રીય મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં દેશભરના ૩૫ પ્રાંતોમાંથી જિલ્લા અને ઉપરના સ્તરના આશરે ૩૫૦૦ જેટલા હિન્દુ સાથીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનના કાર્યને વેગ આપવા માટે દેશભરમાંથી આવેલ પ્રતિનિધિઓના કુલ ૧૪૪ ગઠ (ગ્રુપ) બનાવવામાં આવ્યા હતા, જેમાં વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલનમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ દ્વારા સોશિયલ મીડિયાના અસરકારક ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે ઈન્ડિયા હેલ્થ લાઈનના મહત્વ વિશે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો. કિરીટકુમાર દેશાણીએ વિશેષ માહિતી પૂરી પાડી હતી. મહાસંમેલન દરમિયાન વિવિધ પદાધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી હતી, જેમાં ઈન્ડિયા હેલ્થ લાઈન ગ્રુપ નંબર ૨૦ના પ્રમુખ તરીકે સુરેશભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડિયા, રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ, સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું.