અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ગરિમાપૂર્ણ અને ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે નિર્ધારિત સમયે રાષ્ટ્રધ્વજ લહેરાવીને તિરંગાને સલામી આપી હતી અને સમગ્ર રાજ્યના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીએ નાગરિકોને સંબોધિત કરતા ગૌરવસહ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ
નેતૃત્વમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે ‘વિરાસત થી વિકાસ’નો મંત્ર સાકાર કરવામાં ગુજરાત દેશભરમાં અગ્રણી રહ્યું છે. વડાપ્રધાને લાલ કિલ્લાની પ્રાચીર પરથી ૨૦૪૭ના વિકસિત ભારત માટે ‘શક્તિની સપ્તધારા’ની જે પ્રેરણા આપી છે, તેને સાકાર કરવામાં ગુજરાત સંપૂર્ણ સમર્પણ સાથે અગ્રેસર રહેશે.
તેમણે ઉમેર્યું કે, ગરીબો, યુવાનો, અન્નદાતા કિસાનો અને નારીશક્તિ એ વિકસિત ગુજરાતના ચાર મજબૂત સ્તંભો છે. સેમિકંડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ગ્રીન એનર્જી જેવા ઉભરતા આધુનિક ક્ષેત્રોથી લઈને સોમનાથ મંદિરના પુનઃનિર્માણ જેવા
સાંસ્કૃતિક પ્રકલ્પોમાં ગુજરાતે અદ્ભુત સમન્વય સાધ્યો છે. રાજ્યમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ થકી રૂ. ૧૫.૮૯ લાખ કરોડના ૧૩,૨૫૫ એમઓયુ સંપન્ન થયા છે, જે સ્જીસ્ઈ અને સ્થાનિક ઉદ્યોગોને નવી ઊર્જા પૂરી પાડશે. આ સાથે જ, ‘કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦’ની ઐતિહાસિક યજમાની મળવી એ ગુજરાતની આયોજન ક્ષમતા અને વૈશ્વિક સ્વીકૃતિનું પ્રતીક છે. ‘હાઉસિંગ ફોર ઓલ’ના સંકલ્પ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં વસતા પાત્રતા ધરાવતા કુટુંબો માટે જો ગ્રામ પંચાયત પાસે ગામતળ કે સરકારી જમીન ઉપલબ્ધ નહીં હોય, તો રાજ્ય સરકાર ખાનગી જમીન ખરીદીને પણ ગરીબવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવશે.
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળ જુદા જુદા ૨૧૪ રસ્તાઓના ૨૧૦ કિલોમીટરના નવીનીકરણ અને સુધારણા માટે રૂ. ૩,૪૨૮ કરોડની જંગી રકમ ફાળવવામાં આવી છે.આંગણવાડીના ૩ થી ૬ વર્ષના ૧૬.૭૫ લાખ બાળકો માટે ગરમ નાસ્તાની સ્થાનિક ખરીદીના દરમાં ૬૭ ટકાનો વધારો કરાયો છે. પ્રતિ બાળક દરરોજ રૂ. ૫.૧૦ ને બદલે હવે રૂ. ૮.૫૦ આપવામાં આવશે. આ બાળકલ્યાણકારી નિર્ણય માટે રૂ. ૧૬૯ કરોડની વધારાની જોગવાઈ કરાઈ છે.
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના માટે કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬ લાખથી વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી છે, જેથી વધુ યુવાનોને વિદેશમાં શિક્ષણની ઉત્તમ તકો મળશે. ધ્વજવંદન સમયે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા અને પોલીસ બેન્ડની સુરાવલીઓએ વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. આ પ્રસંગે વિદ્યાસભાના વિદ્યાર્થીઓ દ્વારા ‘મારું અમરેલી’ થીમ આધારિત મનમોહક
સાંસ્કૃતિક કૃતિ તથા શ્રી શક્તિ સેવા કેન્દ્ર (અંબાજી)ની આદિજાતિ બાલિકાઓના બેગપાઇપર બેન્ડની પ્રસ્તુતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પોલીસ જવાનો દ્વારા યોગ નિદર્શન, નારી શક્તિ કાર્યક્રમ, મહિલા રાઇફલ ડ્રીલ, મોટરસાયકલ સ્ટંટ, ડોગ શો અને અશ્વ શો રજૂ કરી શિસ્ત અને સાહસનું અદ્ભુત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમાપને મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું અને પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ સમારોહમાં સાંસદ સભ્યો, ધારાસભ્યો, વરિષ્ઠ સચિવો, કલેક્ટર, ડીડીઓ, સૈન્ય તથા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલીને મળ્યા રૂ. ૪૦૩ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
ગુજરાત સરકારે અમરેલી જિલ્લા માટે રૂ. ૪૦૩ કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું છે. જે અંતર્ગત પાણી પુરવઠા વિભાગના રૂ. ૧૧૪.૭૯ કરોડના ૨ કામોનું લોકાર્પણ કરાયું છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હેઠળ રૂ. ૧૫૭.૭૨ કરોડના ૧૦ કામો તથા પંચાયત વિભાગ હેઠળ રૂ. ૯૩.૦૫ કરોડના ૪૭ કામો સામેલ છે. આ ઉપરાંત મહેસૂલ, શિક્ષણ, સામાજિક ન્યાય, માહિતી-પ્રસારણ અને આરોગ્ય વિભાગના રૂ. ૩૬ કરોડથી વધુના વિકાસકામો હાથ ધરીને જિલ્લાની માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવામાં આવી છે.
અમરેલી જિલ્લાના ૧૭ વિશિષ્ટ નાગરિક રત્નોનું સન્માન
અમરેલી ખાતે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં અમૂલ્ય પ્રદાન આપનાર જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકોનું શાલ અને મોમેન્ટો અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ, જેમાં જળસંચય ક્ષેત્રે પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા, પર્યાવરણ ક્ષેત્રે મોહનભાઈ ઠુંમર, સાહિત્ય ક્ષેત્રે પદ્મશ્રી રતિલાલ બોરીસાગર વતી કનુભાઈ માવજીભાઈ ગેડીયા, શિક્ષણ ક્ષેત્રે ચંદ્રેશકુમાર ભોળાશંકર બોરીસાગર અને રાઘવજીભાઈ કટકીયા (રઘુરમકડું), સમાજ સેવા ક્ષેત્રે ભક્તિરામ બાપુ, સાહિત્ય ક્ષેત્રે વિષ્ણુભાઈ ભાલીયા, સમાજસેવા પ્રવૃત્તિમાં મંદાકિનીબેન ગુણવંતભાઈ પુરોહિત, આરોગ્ય ક્ષેત્રે પ્રતિનિધિ, લલ્લુભાઈ શેઠ ટ્રસ્ટ, સાવરકુંડલા અમિતકુમાર મગીયા, સમાજ સેવા ક્ષેત્રે
નાયબ પોલીસ અધીક્ષક નયના ગોરડીયા, પર્યાવરણ ક્ષેત્ર (સ્નેક કેયર) માં બાબુભાઈ ડાભી, આરોગ્ય ક્ષેત્રે ડા. એ. જે. ડબાવાલા, રમત ગમત ક્ષેત્રે કુ. ફોરમ કગથરા, સંગીત ક્ષેત્રે વિમલભાઈ મહેતા,સાહિત્ય ક્ષેત્ર પ્રણવ પંડ્યા તથા ડા. કેતન કાનપરીયા, અને સમાજ સેવા ક્ષેત્રે સંવેદન ગૃપ, અમરેલીના વિપુલભાઈ ભટ્ટી સહિતના મહાનુભાવોને તેમની વિશિષ્ટ કામગીરી બદલ ગૌરવપૂર્વક સન્માન સાથે બહુમાન કરવામાં આવ્યું હતું.









































