રેડી-ટુ-ઈટ અને રેડી-ટુ-કૂક ફૂડ પ્રોડક્ટ્‌સ ક્ષેત્રે વિશ્વસનીય નામ ધરાવતી શીતલ ફૂડ સફારી દ્વારા અમરેલીમાં નવા પ્રોડક્શન યુનિટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમરેલી-સાવરકુંડલા હાઈવે, ન્યૂ APMC રોડ સ્થિત નવા યુનિટના પ્રારંભ સાથે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થવાની સાથે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને પણ નવી દિશા મળશે. શીતલ આઈસ્ક્રીમના મોભી દકુભાઈ ભુવાના સમગ્ર પરિવારજનોના સૌ સગા સ્નેહી મિત્રોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના રાજ્ય કક્ષા મંત્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે નવા પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.સાથે ભોજલધામ ફતેપુરના મહંત ભક્તિરામ બાપુ, પાણી દરવાજા સ્વામિનારાયણ મંદિરના સુકસ્વામી સહિત સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા. સાંસદ ભરતભાઇ સુતરિયા,પૂર્વ સાંસદ નારણભાઇ કાછડીયા,નગર પાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિઓ સહિત વિવિધ રાજકીય,સામાજિક અને જુદી જુદી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કંપનીના ડાયરેટર દિનેશભાઇ ભુવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કંપનીના યુવા ડાયરેક્ટરો જીત ભુવા,યશ ભુવા,કેવલ ભુવા અને હાર્દિક ભુવાએ કંપનીની શરૂઆતથી અત્યાર સુધીની સફળતા, પ્રોડક્શન,ફ્યુચર, વિસ્તરણ અને એક્સપોર્ટ વિશે વિગતવાર વાત કરતા જણાવ્યું હતું કે કંપની ૧૬ થી વધુ દેશોમાં પ્રોડક્ટ એક્સપોર્ટ કરશે. શીતલ ફૂડ સફારી દ્વારા ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સ્વાદિષ્ટ રેડી-ટુ-ઈટ તેમજ રેડી-ટુ-કૂક ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. નવા યુનિટના પ્રારંભથી કંપનીની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે અને ગ્રાહકો સુધી વધુ સારી સેવા પહોંચાડી શકાશે.
આ અવસરે ઉપસ્થિત મહેમાનો, ઉદ્યોગજગતના આગેવાનો, વેપારીઓ તેમજ શુભેચ્છકોએ શીતલ પરિવારને અભિનંદન પાઠવી નવા પ્રોડક્શન યુનિટના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ કંપનીના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.શીતલ પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર એમ ડી ભુપતભાઇ ભુવા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ ગુણવત્તા, વિશ્વાસ અને ગ્રાહક સંતોષને કેન્દ્રમાં રાખી આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની તૈયારી સંજયભાઈ ભુવા તથા તેમની ટીમ દ્રારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ભરત બાવીશીએ કર્યું હતું.