ભારત અને અમેરિકા વચ્ચે
કૃષિ ક્ષેત્રમાં સહકારને વધુ મજબૂત બનાવવા માટે ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ એક મહત્વપૂર્ણ સંવાદ યોજાયો હતો. વોશિંગ્ટન ડી.સી. સ્થિત યુ.એસ.-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા આ બેઠકનું યજમાનપદ સ્વીકારવામાં આવ્યું હતું. બેઠકમાં બંને દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રમાં નવી તકો ઊભી કરવા, આધુનિક ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતોના હિતોને કેન્દ્રસ્થાને રાખીને વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.USIBCએ પોતાના સત્તાવાર સંદેશમાં જણાવ્યું હતું કે દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ વિચારવિમર્શથી ભારત અને અમેરિકા વચ્ચેના
કૃષિ સહકારને નવી ઊર્જા મળશે. પરિષદના મતે, બંને દેશો સામે રહેલા સામૂહિક પડકારોના ઉકેલ શોધવા અને ઉભરતી તકોનો લાભ લેવા માટે આ પ્રકારના સંવાદો અત્યંત મહત્વપૂર્ણ છે. બેઠક દરમિયાન
કૃષિ ઉત્પાદકતા વધારવા, અદ્યતન કૃષિ ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા, જમીનના આરોગ્યમાં સુધારો લાવવા અને ખેડૂતોને વધુ અસરકારક ટેકનિકલ સહાય ઉપલબ્ધ કરાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, ખાદ્ય અને પોષણ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે બંને દેશો વચ્ચે સંશોધન, જ્ઞાન અને ટેકનોલોજીની આપ-લે વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
કૃષિ નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓએ સહમતી વ્યક્ત કરી હતી કે આ સહકાર લાંબા ગાળે ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે.આ બેઠક ઇફકોની વધતી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને ભારતીય ખેડૂતોના હિતોને વૈશ્વિક મંચો પર અસરકારક રીતે રજૂ કરવાની ક્ષમતાનું પ્રતિબિંબ માનવામાં આવે છે. દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ યોજાયેલ આ સંવાદ માત્ર ભારત-અમેરિકા કૃષિ ભાગીદારીને નવી દિશા આપનાર નથી, પરંતુ સહકાર આધારિત કૃષિ વિકાસના વૈશ્વિક મોડલને પણ વધુ મજબૂત બનાવે છે. ખેડૂતોની આવક, ઉત્પાદકતા અને
કૃષિ સુરક્ષા વધારવાના હેતુ સાથે આ પહેલને મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહી છે