ભાવનગરના પ્રાદેશિક કમિશનરના અધ્યક્ષસ્થાને અમરેલી કલેક્ટર કચેરી ખાતે નગરપાલિકાઓની સંકલન સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા અને જિલ્લાના વિવિધ ધારાસભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોના રસ્તાઓને થયેલા નુકસાનનું તાત્કાલિક સમારકામ કરવા તમામ નગરપાલિકાઓને કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સ્વચ્છતા અભિયાન અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની માર્ગદર્શિકા મુજબ ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલની કામગીરીની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.