ગામડાના ભોળા ખેડૂતોને વિશ્વાસમાં લઈ અવનવી લાલચો આપી ઓનલાઈન છેતરપિંડી આચરતી ગેંગ હવે વધુ સક્રિય થઈ છે. રાજુલા તાલુકાના રામપરા-૨ ગામના એક ખેડૂત સાથે જૂની ઓળખાણ અને આશ્રમના સંતોના સંદર્ભ આપી ખાતર તેમજ અનાજના નામે રૂપિયા ૫૦,૦૦૦ ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો. બનાવ સંદર્ભે રામપરા-૨ ગામના શીવાભાઇ નાજાભાઇ વાઘ (ઉ.વ.૩૭)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના મોબાઈલ નંબર પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ રાઘવભાઈ ભુવા (રહે. મહુવા) તરીકે આપ્યું હતું. શાતિર ઠગે ખેડૂતનો વિશ્વાસ જીતવા માટે જણાવ્યું કે, પોતે રામપરા-૨ ગામે આવેલી બગીચા વાળી શાળામાં જ ભણેલો છે અને સ્થાનિક આશ્રમના સંતોને પણ ખૂબ સારી રીતે ઓળખે છે. આ વાતો સાંભળીને ખેડૂતને આ વ્યક્તિ પોતાનો કોઈ જૂનો જાણીતો હોય તેવો અહેસાસ થતાં તેમણે તેની વાતો પર ભરોસો કરી લીધો હતો. વિશ્વાસ કેળવ્યા બાદ કથિત રાઘવભાઈ ભુવા નામના આરોપીએ ખેડૂતને સસ્તા ભાવે અનાજ અને ખાતર વેચવાની ઓફર કરી હતી. તેણે લાલચ આપી હતી કે જો તેઓ આ માલ ખરીદશે તો તેમને પ્રતિ બોરી રૂપિયા ૧૫૦નો સીધો ફાયદો થશે. ખેડૂત આ આકર્ષક સ્કીમમાં આવી જતાં તેમણે ૩૦૦ બોરી ખાતર અને અનાજનો ઓર્ડર આપવા સહમતી દર્શાવી હતી. ૩૦૦ બોરી માલ પહોંચાડવા માટે આરોપીએ જણાવ્યું કે મજૂરી અને ગાડીના ભાડા પેટે કુલ રૂપિયા ૫૦,૦૦૦ ની તાત્કાલિક જરૂર પડશે, જે એડવાન્સમાં ચૂકવવા પડશે. તેમણે રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ લાંબા સમય સુધી ખાતર કે અનાજનો કોઈ માલ રામપરા ગામે પહોંચ્યો નહોતો. જ્યારે ખેડૂતે આપેલા બંને મોબાઈલ નંબરો પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે નંબરો બંધ આવતા હતા. જેથી તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.








































