અમરેલીમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસને પ્રાથમિકતા આપી તેના અમલીકરણમાં ઝડપ લાવવા માટે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્જરાપુ રામમોહન નાયડુને પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં જણાવાયું છે કે અમરેલી જિલ્લો સૌરાષ્ટ્રનો મહત્વપૂર્ણ કૃષિ અને લઘુ ઉદ્યોગ કેન્દ્ર હોવા છતાં હવાઈ કનેક્ટિવિટીના અભાવે વિકાસની ગતિ મર્યાદિત રહી છે.રજુઆતમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારની ‘ઉડાન’ યોજના હેઠળ અમરેલીમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવે તો હીરા ઉદ્યોગ, કૃષિ ઉત્પાદનોની નિકાસ, પર્યટન અને સ્થાનિક રોજગારીને મોટો ફાયદો થશે. ગીર અભ્યારણ્ય, સોમનાથ, તુલસીશ્યામ અને ધારી-ગીર જેવા પર્યટન સ્થળો સુધી પહોંચ વધુ સરળ બનશે.પત્રમાં વધુમાં ઉલ્લેખ કરાયો છે કે એરપોર્ટ માટેની ફિઝિબિલિટી રિપોર્ટ અને ટેકનિકલ સર્વે બે વર્ષ પહેલાં પૂર્ણ થઈ ચૂક્યા હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી શરૂ થઈ નથી. આથી પ્રોજેક્ટને ઝડપથી મંજૂરી આપી અમરેલીના નાગરિકોને ‘ઉડાન’ યોજનાનો લાભ અપાવવાની માંગ કરવામાં આવી છે.