બાબરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વધુ સારી અને સુલભ તકો ઉપલબ્ધ થાય તે માટે સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ બાબરાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ (બી.એસસી.) શરૂ કરવા લેખિત રજૂઆત કરી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે, બાબરા તાલુકા તથા આસપાસના અનેક ગામોમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂર્ણ કરે છે. પરંતુ બાબરા ખાતે સરકારી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને અમરેલી, રાજકોટ, બોટાદ અથવા અન્ય શહેરોમાં અભ્યાસ માટે જવું પડે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પર આર્થિક બોજો વધે છે તેમજ ગ્રામ્ય વિસ્તારના અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહે છે. બાબરામાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કાર્યરત છે અને અહીં જરૂરી સુવિધાઓનો વધુ વિકાસ કરીને વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવે તો સમગ્ર વિસ્તારના વિદ્યાર્થીઓને પોતાના તાલુકા મથકે જ ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી શકશે.