અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ફિલ્મી ઢબે ૫૦ લાખની ઉઠાંતરીની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, બાઇક પર આવેલા શખ્સોએ પહેલા કારને ટક્કર મારી ચાલકનું ધ્યાન ભટકાવ્યું અને ત્યારબાદ અન્ય બે શખ્સોએ કારનો કાચ તોડી અંદર રાખેલી રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા.
ઘટના મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સ નજીક આવેલી એડીસી બેંક સામે બની હતી. ફરિયાદી બાપુનગર સ્થિત એક આંગડિયા પેઢીમાંથી ૫૦ લાખની રોકડ લઈને કોઠિયા હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં એક બાઇક ચાલકે કારને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર બાદ કારચાલક નીચે ઉતરી બાઇક ચાલક સાથે વાતચીતમાં વ્યસ્ત થયો હતો.
આ દરમિયાન અન્ય બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ કારનો કાચ તોડી અંદર રહેલી રોકડ ભરેલી બેગ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાસ્થળેથી મળેલી કારમાંથી ભાજપનો ખેસ તેમજ ‘ખોડલધામ અમદાવાદ’ લખેલો ખેસ પણ મળી આવ્યો હતો. જાકે, પોલીસ દ્વારા આ અંગે કોઈ રાજકીય સંડોવણી અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
ઘટનાની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે અને આરોપીઓને ઝડપવા માટે અલગ-અલગ પોલીસ ટીમો કામે લાગી ગઈ છે.
પોલીસ હાલમાં આસપાસના CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી કરી રહી છે. અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લેવામાં આવશે.
પ્રાથમિક તપાસમાં આ ઘટના પૂર્વયોજિત હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી છે.










































