ગુજરાત એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન હોવા માટે સમગ્ર વિશ્વમાં ગર્વ અનુભવે છે, તે આજે વન્યજીવ સંરક્ષણને લઈને એક મોટા વિરોધાભાસનો સામનો કરી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર કચ્છના બન્ની વિસ્તારમાં આફ્રિકન ચિત્તાઓને વસાવવાની મહત્વાકાંક્ષી યોજના પર કામ કરી રહી છે, તો બીજી તરફ અમરેલી જિલ્લામાં સિંહબાળોના થતા રહસ્યમય અને ચોંકાવનારા મોત વહીવટીતંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.
તાજેતરમાં અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ સિંહબાળોના મોતની ઘટનાએ સમગ્ર રાજ્યના વનવિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. દલખાણીયાના રેવન્યુ વિસ્તારમાં એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મોત શંકાસ્પદ જણાતા હત્યાની આશંકા પણ સેવાઈ રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે સ્થાનિક આરએફઓએ આ ગંભીર બાબતને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉપરી અધિકારીઓ સુધી વાત પહોંચતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
એવી પણ શક્્યતા છે કે કોઈ આ સિંહબાળના મૃતદેહને ત્યાં ફેંકી ગયું હોય. બગસરા તાલુકાના હામાપુર ગામે બેથી ત્રણ દિવસના એક સિંહબાળનું મોત થયું, જ્યારે પાણીયા રેન્જમાં ઇન્ફાઇટ (આંતરિક ઝઘડા) દરમિયાન એક સિંહબાળનું મોત થયું. એક જ દિવસમાં ત્રણ સિંહબાળોના મોત એ દર્શાવે છે કે સિંહોની સુરક્ષા વ્યવસ્થામાં ક્યાકને ક્યાક ગંભીર ક્ષતિઓ રહી ગઈ છે.
જ્યારે સિંહબાળોના મૃત્યુથી વનવિભાગ પર દબાણ છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં ચિત્તા લાવવાની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓને વસાવવા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં કેન્યાથી બે નર અને બે માદા ચિત્તા લાવવામાં આવશે. ત્યારબાદ એક વર્ષમાં કુલ ૧૨ ચિત્તાઓને બન્નીમાં લાવવાનું લક્ષ્ય છે. દ્ગ્‌ઝ્રછ ની ટીમ દ્વારા બન્નીમાં વસવાટ, એન્ક્‌લોઝર અને પશુચિકિત્સા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી છે. આ ચિત્તાઓને પહેલા ભુજ લાવવામાં આવશે અને ત્યારબાદ બન્ની ખાતે નિર્મિત ખાસ સેન્ટરમાં એક મહિના માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.
નિષ્ણાતોના મતે, ગુજરાતમાં સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા – એમ ચારેય મોટી બિલાડીઓનું હોવું એ ગૌરવની વાત હોઈ શકે છે. પરંતુ, જે રાજ્ય પોતાના સિંહબાળોને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોય, ત્યારે લોકોના મનમાં એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે આવી સ્થિતિમાં નવા પ્રાણીઓને લાવવા કેટલા હિતાવહ છે? ચિત્તાઓ માટે બન્ની વિસ્તારમાં ‘બ્રીડિંગ સેન્ટર’ બનાવીને તેમને વસાવવા એ એક મોટું કદમ છે, પરંતુ જા વનવિભાગની કામગીરીમાં પારદર્શિતા અને ગંભીરતાનો અભાવ રહેશે, તો સિંહોની જેમ ચિત્તાઓનું ભવિષ્ય પણ જાખમમાં મુકાઈ શકે છે.