શહેરમાં આ વર્ષે દશેરાના તહેવાર પર ફાફડા અને જલેબીનો સ્વાદ માણવો અમદાવાદીઓ માટે વધુ મોંઘો થઈ જશે. દશેરાના પવિત્ર દિવસે ફાફડા-જલેબી આરોગવાની પરંપરા વચ્ચે આ વખતે લિજ્જત મોંઘી પડવાની છે, કારણ કે ફાફડા અને જલેબીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ. ૧૨૦ નો મોટો વધારો નોંધાયો છે. મહત્વનું છે કે, તહેવારના ટાણે જ ફાફડા-જલેબીમાં ગત વર્ષની સરખામણીએ ૨૦થી ૨૫ ટકા સુધીનો ભાવ વધારો ઝીંકાયો છે.
આ ભાવ વધારાને કારણે આ વખતે દશેરા પર અમદાવાદીઓના ખિસ્સા પર ભારે આર્થિક ભાર પડવાની છે. જે અંતર્ગત આ વર્ષે ભાવમાં થયેલા ફેરફારના મુખ્ય આંકડાઓ જાઈએ તો ગત વર્ષે સરેરાશ રૂ. ૬૮૦ પ્રતિ કિલો ના ભાવે મળતા ફાફડા આ વર્ષે વધીને રૂ. ૮૦૦ પ્રતિ કિલો થયા છે. જ્યારે ગત વર્ષે જલેબીનો સરેરાશ ભાવ રૂ. ૮૦૦ પ્રતિ કિલો હતો, જે આ વર્ષે વધીને રૂ. ૮૮૦ પ્રતિ કિલો એ પહોંચ્યો છે.
મહત્વનું છે કે, ફાફડા અને જલેબી મોંઘા થવા પાછળ ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો મુખ્ય જવાબદાર છે. ખાસ કરીને તેલ, લોટ અને મજૂરીના ખર્ચમાં વધારો થતાં ઉત્પાદકો માટે જૂના ભાવે વેચાણ કરવું અશક્્ય બન્યું છે. આ ઉપરાંત ગેસ અને મજૂરીના દરોમાં વધારો થવાના કારણે ફાફડા-જલેબીના ભાવ ઊંચા ગયા છે, જેની સીધી અસર ગ્રાહકોની ખરીદી પર જાવા મળશે. આમ તો દશેરાના તહેવાર દરમિયાન સરેરાશ પ્રથેક દુકાનદાર પરથી ૪૦૦ જેટલા ગ્રાહકો ફાફડા અને જલેબીની ખરીદી કરતા હોય છે. તહેવારની ઉજવણી માટે લોકો ખરીદી તો કરશે, પરંતુ કાચા માલ અને બનાવટના ખર્ચમાં થયેલા ભાવ વધારાના કારણે આ દશેરાએ ફાફડા-જલેબીની લિજ્જત મોંઘી બની છે.