અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં ૬૯ વર્ષીય વૃદ્ધા સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. ત્રણ અજાણ્યા શખસોએ સલામતીના નામે વૃદ્ધાને સોનાનાં ઘરેણાં ઉતરાવી બેગમાં મૂકવાનું કહી વિશ્વાસમાં લીધાં હતાં. ત્યારબાદ અસલી ઘરેણાં લઈ કાગળમાં નકલી ઘરેણાં પધરાવી તેઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે વૃદ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, ૧૮ ઓક્ટોબરની સવારે ૬૯ વર્ષીય સુનીતાબહેન ગર્ગ રામદેવનગર ચાર રસ્તા નજીક આવેલા રામમંદિરમાં દર્શન કરીને બાગેશ્રી ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન એક અજાણ્યો શખસ તેમને રોકીને રસ્તાના ખૂણે બાઈક પર બેઠેલા અન્ય એક શખસ પાસે લઈ ગયો હતો.ત્રણેય શખસોએ વૃદ્ધાને કહ્યું હતું કે અહીં રાત્રે કોઈ ઘટના બની છે અને તેમની સલામતી માટે ગળામાં પહેરેલી સોનાની ચેઈન તથા બંગડીઓ ઉતારીને બેગમાં મૂકી દેવી જોઈએ.
આ દરમિયાન ૨૦થી ૨૫ વર્ષની ઉંમરનો ત્રીજા શખસ ત્યાં આવ્યો હતો. તેણે પોતાની વીંટી ઉતારીને વૃદ્ધાને આપી વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વૃદ્ધાએ પોતાની આશરે એક તોલાની સોનાની ચેઈન અને ત્રણ તોલાની બે સોનાની બંગડીઓ ઉતારી આપી હતી.
ફરિયાદ મુજબ, એક શખસે ઘરેણાંને કાગળમાં લપેટીને બેગમાં મૂકવાની વાત કરી હતી. આ બહાને તેણે ચાલાકીથી અસલી ઘરેણાં બદલી નાખ્યાં અને કાગળ અત્યારે નહીં ખોલવાની સૂચના આપી હતી. ત્યારબાદ ત્રણેય શખસો ઇસ્કોન ચાર રસ્તા તરફ ભાગી ગયા હતા.
સુનીતાબહેન ઘરે પહોંચ્યાં બાદ બેગમાં તપાસ કરતાં તેમની સોનાની ચેઈન ગાયબ હતી અને કાગળમાં લપેટેલી બંગડીઓ પણ અસલી સોનાની જગ્યાએ બીજી ધાતુની હોવાનું જણાયું હતું. આ રીતે આશરે ૪ લાખના ઘરેણાંની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.