રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આયોજિત ચારેય ઝોનના નવરાત્રી મહોત્સવમાં આઠમા નોરતે મહાઅષ્ટમીની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે દીકરીઓએ ત્રિશૂળ ધારણ કરી મા ખોડલ સહિત સાતેય બહેનોના દિવ્ય સ્વરૂપે શણગારેલી કાર અને રેડ કાર્પેટ પર ભવ્ય પધરામણી કરી હતી, જે સૌ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. માતાજીના આગમન સમયે થયેલી અદ્ભુત આતશબાજીથી સમગ્ર પરિસર ઝળહળી ઊઠ્‌યું હતું.
ઉપસ્થિત હજારો ખેલૈયાઓ અને જનમેદનીએ મોબાઈલની ફ્‌લેશલાઈટ ચાલુ કરી ગ્રાઉન્ડને રોશન કર્યું હતું. સ્ટેજ પર સાતેય બહેનોના સ્વરૂપોનું વિશેષ પૂજન અને દિવ્ય મહાઆરતી સંપન્ન થયા બાદ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવીને વાતાવરણને અલૌકિક બનાવી દીધું હતું.