કોડીનારના ખાંડ ફેક્ટરી રોડ પર સોમનાથ સોસાયટી પાસે આજે સવારે આશરે આઠ વાગ્યે સ્કૂલ બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસની પાછળથી પૂરઝડપે આવેલી ઈકો અથડાતા મહિલા સહિત બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.મળતી માહિતી મુજબ, માળીયા ગામના રહેવાસી અને કોટડા ગામે કરિયાણાની દુકાન ધરાવતા ગોવિંદભાઈ આહુજા સહિત એક મહિલાને ઈજા થઈ હતી. ગોવિંદભાઈને વધુ ઈજા થતાં ત્યાંથી પસાર થતા પત્રકાર દિનેશભાઈ જોષીએ તેમને મોટરસાઇકલ પર સરકારી દવાખાને સારવાર માટે પહોંચાડ્યા હતા.હાલ કોડીનાર બાયપાસ રોડ પર સિમેન્ટ રોડની કામગીરી ચાલી રહી છે. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની અવરજવરને કારણે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. આવા સંજોગોમાં બેફામ વાહનચાલનથી અકસ્માતનો ભય રહે છે. કોડીનાર-વેરાવળ-ઊના માર્ગ પર ખાનગી વાહનોમાં મુસાફરોની હેરફેર સામે તપાસ કરી નિયમોનું પાલન કરાવવા અને બેદરકાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.









































