શહેરના પાલીગામ વિસ્તારમાં ગંદકીની સમસ્યાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. વિસ્તારમાં રહેતા એક શ્રમિકનું ડેન્ગ્યુની બીમારી બાદ સારવાર દરમિયાન કમનસીબ અવસાન થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં સ્વચ્છતા અને આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ અંગે ચર્ચા શરૂ થઈ છે.
મળતી વિગતો અનુસાર, શ્રમિકની બપોરના સમયે અચાનક તબિયત લથડતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાત્રિના સમયે તેમને ડેન્ગ્યુ થયો હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ તેમની તબિયત વધુ ગંભીર બનતાં વધુ સારવાર માટે સુરત લઈ જવામાં આવી રહ્યા હતા. જાકે, સવારે આશરે ૬ઃ૦૦થી ૬ઃ૩૦ વાગ્યાની વચ્ચે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ફેલાયેલી ગંદકી અને વહીવટીતંત્રની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. મૃતકના સંબંધીઓએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં ગંદકીની સમસ્યા અને તંત્રની બેદરકારીને કારણે આવી ગંભીર બીમારીઓ ફેલાઈ રહી છે. જોકે, ગંદકીના કારણે જ ડેન્ગ્યુનો ચેપ લાગ્યો હતો કે નહીં, તે અંગે સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.શ્રમિકના મોત બાદ વિસ્તારમાં સફાઈ, મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટેની કામગીરી અને આરોગ્ય વિભાગની સક્રિયતા અંગે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોની માંગ છે કે વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને ડેન્ગ્યુ સહિતની મચ્છરજન્ય બીમારીઓને અટકાવવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.



































